વડોદરા કન્ઝ્યુમર ફોરમનો ઐતિહાસિક ચુકાદો: મહિલાની સર્જરી વખતે બેદરકારી ભારે પડી, જાણો શું છે મામલો?

તબીબને ધરતી પરના ભગવાન કહેવાય છે કેમ કે તે વ્યક્તિનો જીવ બચાવે છે. જો કે વડોદરામાં એક મહિલા માટે એક તબીબ દુશ્મન સાબિત થયો છે. તબીબે તેમની સમસ્યા દૂર કરવાની જગ્યાએ અનેક ગણી વધારી દીધી.

 વડોદરા કન્ઝ્યુમર ફોરમનો ઐતિહાસિક ચુકાદો: મહિલાની સર્જરી વખતે બેદરકારી ભારે પડી, જાણો શું છે મામલો?

હાર્દિક દિક્ષિત/વડોદરા: વડોદરાના કન્ઝ્યુમર ફોરમે ગ્રાહકની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના 20 વર્ષ બાદ એક મહિલાને ન્યાય મળ્યો છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ તબીબે ફરિયાદીને 21 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ વળતર મહિલાને તકલીફ ઓછી નહીં કરી શકે, પણ બેદરકાર તબીબો માટે સબક છે.

તબીબને ધરતી પરના ભગવાન કહેવાય છે કેમ કે તે વ્યક્તિનો જીવ બચાવે છે. જો કે વડોદરામાં એક મહિલા માટે એક તબીબ દુશ્મન સાબિત થયો છે. તબીબે તેમની સમસ્યા દૂર કરવાની જગ્યાએ અનેક ગણી વધારી દીધી. વર્ષ 2004માં મહિલાની સર્જરી કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષનું માનીએ તો શૈલેષ તલાટી નામના તબીબે સર્જરી કરી અને યોગેશ શાહ નામના તબીબે મહિલાને એનેસ્થેસિયા આપ્યું હતું. જો કે એનેસ્થેસિયાનો ડોઝ વધુ અપાતા નેહા શાહ નામના દર્દી કોમામાં પહોંચી ગયા હતા.

સર્જરી બાદ મહિલાની હાલતમાં સુધારો થવાની જગ્યાએ બગડતી ગઈ. તેમના પરિવારજનોએ 3 વર્ષ સુધી હોસ્પિટલો બદલી. મહિલા કોમામાંથી બહાર તો આવ્યા, જો કે શરીર 90 ટકા કામ કરતું બંધ થઈ જતા આજે પણ પથારીવશ છે. 2007માં મહિલાના પતિ સમીર શાહે કન્ઝ્યુમર ફોરમમાં તબીબ સામે કેસ દાખલ કર્યો હતો. પહેલા તો તબીબે પોતાની ભૂલ માનવાનો ઈન્કાર કર્યો. પછી એક લાખ રૂપિયામાં પતાવટ કરવાની પણ ઓફર કરી. જો કે સમીરભાઈને ન્યાય જોઈતો હતો.

કન્ઝ્યુમર ફોરમે કેસ દાખલ થયાના 17 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ફરિયાદીને 21 લાખ રૂપિયાનું વળતર આપવા તબીબને આદેશ આપ્યો છે. આ વળતર વડોદરાના કન્ઝ્યુમર ફોરમના ઈતિહાસમાં સૌથી વધુ વળતર છે. ફરિયાદીએ કન્ઝ્યુમર કોર્ટના ચુકાદા સામે સંતોષ વ્યક્ત કર્યો છે, ફરિયાદી સાથે ન્યાય થયો છે. જો કે એક વ્યક્તિની તકલીફ તેનાથી ઘટી જતી નથી. એક તબીબની બેદરકારી વ્યક્તિને કેટલી ભારે પડી શકે છે, તેનો આ દાખલો છે. 

આ કેસને જોતાં સમજી શકાય છે કે તબીબના વ્યવસાયમાં બેદરકારીને કોઈ અવકાશ નથી. આ ચુકાદો આવા તબીબો માટે ચેતવણી સમાન છે, દર્દીઓે પણ પોતાના કાયદાકીય અધિકાર વિશે ખબર હોવી જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news