ખેડૂતો ખુશ! જીરુંના ભાવે ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવ્યો, પ્રથમવાર આટલા બોલાયા ભાવ

રાજ્યમાં નવા જીરાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ખેડૂતોએ જીરૂ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ લાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે ખેડૂતોને જીરાના વધુ ભાવ મળી રહ્યાં છે. 

ખેડૂતો ખુશ! જીરુંના ભાવે ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવ્યો, પ્રથમવાર આટલા બોલાયા ભાવ

રાજકોટઃ ગુજરાતમાં જીરુંના ભાવો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. જીરુંના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો મળતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરતના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટના બેડી યાર્ડમાં એક મણ જીરુંના ભાવ 6300 રૂપિયા બોલાતાં ખેડૂતો ખુશ ખુશહાલ જોવા મળી રહ્યાં છે. પ્રથમ વખત આ ભાવ મળતાં વેપારીઓ પણ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. વેપારીઓના મતે જીરુંની મોટી માંગને લઈને ભાવમાં વધારો મળ્યો છે. આ પહેલાં એક મણ જીરુંનો ભાવ પાંચ હજાર થયો હતો. ગત વર્ષે જીરુના વધુમાં વધુ ભાવ મણદીઠ 3500થી 4000 બોલાયા હતા. જેની સામે હાલ 6 હજાર સુધીમાં સોદા પડી રહ્યા છે.

વેપારી આગેવાનોના મત મુજબ આજે પ્રથમ દિવસે જ રાજકોટ બેડી યાર્ડ ખાતે જીરુંના હાઈએસ્ટ ભાવ બોલાયા હતા. ચાર દિવસ બાદ આજે ફરી જીરુંના ભાવમાં તેજી જોવા મળી હતી અને એક મણના 6,300 રૂપિયાની હાઇ સપાટીએ સોદા પડયા હતા. ચાર દિવસ પૂર્વે 5,900 ભાવથી જીરુંનું વેચાણ થયું હતું.

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વાસ્તવમાં જીરાની ખેતી ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે કરવામાં આવે છે. આ પછી બજારમાં જીરુંનું આગમન થાય છે. નવી આવક હોવા છતાં જીરાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

જીરુંના ભાવ વધવાનું મુખ્ય કારણ આ વખતે ઓછું ઉત્પાદન રહ્યું છે. હકીકતમાં છેલ્લા કુલ વર્ષોથી દેશમાં જીરુંના ભાવ નીચે જઈ રહ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોએ જીરુંને બદલે સરસવ અને અન્ય પાક લીધા છે. જેના કારણે આ વર્ષે જીરુંનું ઉત્પાદન ઘટ્યું છે. જીરુંની મુખ્ય ઉંઝા બજારમાં દર વર્ષે 80 થી 90 લાખ બોરી જીરૂની આવક થતી હતી પરંતુ આ વખતે બજારમાં જીરૂની આવક માત્ર 50 થી 55 લાખ બોરી જ રહેવાનો અંદાજ છે.

બીજી તરફ કપાસમાં પણ તેજી જોવા મળી છે. કપાસમાં ખેડૂતોને એક મણના 150 રૂપિયાનો વધારો મળ્યો છે. કપાસ એક મણના 1600 થી 1740 રૂપીયાના ભાવે સોદા પડયા હતા. કપાસમાં લોકલ લેવલે રૂ બજારના ભાવ સારા હોય અને ખેડૂતો ઉંચા ભાવની આશાએ કપાસ વેચતા ન હોય હાજર માલની ખેંચના કારણે કપાસના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news