48 વર્ષમાં પહેલીવાર કોઇ ગુજરાતી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયાના પ્રેસિડન્ટ બન્યા

48 વર્ષમાં પહેલીવાર કોઇ ગુજરાતી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયાના પ્રેસિડન્ટ બન્યા
  • આઈટીપીઆમાં નવા વરાયેલા પ્રમુખ એન કે પટેલ જણાવ્યું કે, વિકાસ માટે ટાઉન પ્લાનિંગ અને શહેર આયોજન મહત્વનુ છે.

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના ટાઉન પ્લાનર અને અગ્રણી ડેવલપર એન કે પટેલે ટાઉન પ્લાનર્સની ટોચની સંસ્થા, ઈન્સ્ટિટયુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા (આટીપીઆઈ) ના નેશનલ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. એન કે પટેલ છેલ્લા 48 વર્ષમાં ગુજરાતમાંથી આ સંસ્થામાં ચૂંટાઈ આવનાર પ્રથમ હોદ્દેદાર છે. ગાંધીનગર શહેરની ડિઝાઈન તૈયાર કરનાર એચકે મેવાડા 1972માં આ સંસ્થાના હોદ્દેદાર તરીકે ચૂંટાઈ આવનાર ગુજરાતના છેલ્લાં ટાઉન પ્લાનર હતા. એન કે પટેલ સેપ્ટમાંથી અર્બન પ્લાનિંગના ગોલ્ડ મેડાલિસ્ટ છે.

રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગમાં કામગીરી બજાવવા ઉપરાંત તેઓ આશરે 17 વર્ષ સુધી ઔડામાં ટાઉન પ્લાનર તરીકે કામ કરી ચૂક્યા છે અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO)ના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી રહ્યા છે. NAREDCO ની સ્થાપના વર્ષ 1998માં ભારત સરકારના હાઉસિંગ અને શહેરી બાબતોના વિભાગે સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થા તરીકે કરી હતી. એન કે પટેલ ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ (GICEA)ના ભૂતપૂર્વ પ્રમુખ અને આઈટીપીઆઈના ગુજરાત ચેપ્ટરના ભૂતપૂર્વ ચેરમેન છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક કંપની કોરોનાની દવા લાવવાની તૈયારીમાં, ટ્રાયલને મંજૂરી મળી

આઈટીપીઆમાં નવા વરાયેલા પ્રમુખ એન કે પટેલ જણાવ્યું કે, વિકાસ માટે ટાઉન પ્લાનિંગ અને શહેર આયોજન મહત્વનુ છે. ટાઉન પ્લાનરની ભૂમિકા સતત વિસ્તરતી અને વ્યાપક બનતી જાય છે અને હવે માત્ર જમીન વપરાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે માંડીને ટ્રાન્સપોર્ટ, અર્થતંત્ર અને પર્યાવરણ માટે મહત્વની બની રહે છે. આઈટીપીએલના નેશનલ પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળવો તે મારા માટે એક ગૌરવની બાબત છે. આઈટીપીઆઈ ખાતે અમે આ ક્ષેત્રોમાં માળખાગત પરિવર્તનો માટે ઉત્તમ પ્રયાસો કરીશું. 

એન કે પટેલે વધુમાં જણાવ્યું કે, ભારતને વધુને વધુ પ્રમાણમાં શહેરીકરણ થઈ રહ્યુ છે. ત્યારે શહેરની માળખાગત સુવિધાઓ, સ્લમ ફ્રી શહેરો, પોસાય તેવા આવાસો પાણી અને દૂષિત પાણીના વ્યવસ્થાપન સાથે કદમ મિલાવે તે માટે સમર્પિત પ્રયાસો કરવા જરૂરી બની રહે છે. મારા કાર્યકાળ દરમ્યાન હું આ બધા પરિબળોના આયોજનના માળખા અંગે ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયાસ કરીશ.

આ પણ વાંચો : ગુજરાતના 4 મોટા શહેરોમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક, હજી પણ નાકની નીચે જ લટકતા દેખાયા માસ્ક

આઈટીપીઆઈ, શહેર અને દેશના  ગતિશીલ, સમાવેશી અને સુસંકલિત આયોજન પ્રણાલી, શિક્ષણ સંશોધન અને સંસ્થાકીય વ્યવસ્થાના લાંબાગાળાના ધબકતા, દીર્ઘકાલીન અને સ્થિતિસ્થાપક સ્પેશિઓ-ઈકોનોમિક વિકાસને પ્રોત્સાહન માટે કામ કરે છે. આઈટીપીઆઈની ભૂમિકા નગરો અને શહેરો અને ગ્રામ વિસ્તારોના આયોજિત, આર્થિક, વૈજ્ઞાનિક અને કલાત્મક વિકાસ માટે મહત્વની છે અને તે નગરો અને દેશના વિકાસને પ્રોત્સાહન મળે તેવા શિક્ષણ અને અન્ય વિષયોને ઉત્તેજન આપે છે.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા (આટીપીઆઈ), નવી દિલ્હીની સ્થાપના વર્ષ 1941માં કરવામાં આવી હતી. આઈટીપીઆઈના નેજા હેઠળ કાર્યરત સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેકચર, વિવિધ વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોકટરલ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. સંસ્થા અનુસ્નાતક અને પૂર્વસ્નાતક સ્તરે આયોજન, સ્થાપત્ય અને ડિઝાઈનના વિષયોમાં અભ્યાસક્રમ ઓફર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news