Gujarats Longest Flyover : અટલ બિહારી વાજપેયીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ, ગુજરાતના સૌથી લાંબા બ્રિજને આપ્યું ‘અટલ બ્રિજ’ નામ
Gujarats Longest Bridge : રાજ્યના સૌથી લાંબા બ્રિજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આપશે ભેટ... વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ... સ્વ. અટલ બિહારી વાજયેપીના જન્મદિવસે ઓવરબ્રિજનું લોકાર્પણ
Trending Photos
Gujarats Longest Flyover રવિ અગ્રવાલ/વડોદરા : નાતાલના દિવસે વડોદરા શહેરનાં રહેવાસીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રીજ લોકાર્પણ માટે તૈયાર છે. મુખ્યમંત્રી આ ઓવરબ્રિજને ખુલ્લો મૂકશે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો આજે જન્મદિન હોઈ બ્રિજને અટલ બ્રિજ નામ અપાયું છે.
વડોદરા શહેરનાં લોકો જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોતાં હતા તે સમય આખરે આવી ગયો છે. મનીષા ચોકડીથી ગેંડા સર્કલને જોડતા ઓવરબ્રીજનું રવિવારે એટલે કે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજયેપીના જન્મદિવસે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ અપાયું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકો માટે ખુલ્લો મૂકશે.
ગુજરાતનો સૌપ્રથમ 3.5 km લાંબો બ્રિજ વડોદરામાં
ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો લાંબો છે બ્રિજ
અટલ બ્રિજ પર બે સ્થળોએ અપાઈ છે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા
અટલ બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા બનશે હળવી
બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીનો કાફલો સૌ પ્રથમ બ્રિજ પરથી પસાર થશે. અટલ બ્રિજની મુલાકાત બાદ મુખ્યમંત્રી સયાજીનગર ગૃહ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી સયાજીનગર ગૃહ ખાતે જન સંબોધન કરશે.
લોકાર્પણના એક દિવસ પહેલા વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમનો દાવો છે કે બ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. અટલ બ્રિજ પર સાઈડમાં ગ્રીનરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સી એક્ઝિટ માટે બે સ્લાઈડિંગ પેનલ મૂકવામાં આવી છે. જરૂર હોય ત્યારે સ્લાઈડિંગ પેનલ ખોલી શકાશે. જે આ બ્રિજની મોટી વિશેષતા છે.
અટલ બ્રિજના લોકાર્પણ બાદ વડોદરા શહેરનાં લોકો માટે આ નાતાલ યાદગાર બની જશે, એ નક્કી છે, કેમ કે સાડા ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ લોકોને માથાના દુખાવા સમાન ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે