ગુજરાતમાં ધકેલ પંચે ચાલી રહેલી હાઈવેની કામગીરી વિશે નીતિન ગડકરીને કરાઈ રજૂઆત
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતના રાજ્યસભા સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઓણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી. જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી રહેલી કામગીરી અંગે પણ રજુઆત કરવામાં આવી. મોટાભાગના સાંસદોની રજુઆત હતી કે, જે તે વિસ્તારમાં નેશનલ હાઈવે (national highway) પ્રોજેક્ટના કામ ખૂબ ધીમા ચાલી રહ્યા છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
સૌથી વધુ રજુઆત ચિલોડા-હિંમતનગર-શામળાજી સુધીના નેશનલ હાઈવેના ઠપ્પ પડેલા કામ અંગે હતી. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની નબળી કામગીરી અંગે પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અવગત કરાવાયા. સાંસદોએ કહ્યું કે, નેશનલ હાઈવે (national highway) ના આ બંને માર્ગો પર કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને કામોમાં કોઈ પ્રગતિ દેખાતી નથી. આ બંને નેશનલ હાઈવે પર રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે અને નબળા કામના લીધે અકસ્માતોનો ભય વધ્યો છે.
ભાજપના સાંસદ નરહરિ અમીને ચિલોડા-શામળાજી સુધીના 93 કિમી રસ્તાને 6 માર્ગીય કામગીરી અંગે રજુઆત કરી હતી. તેમણે રજુઆત કરી કે, એજન્સીએ સબ કોન્ટ્રાકટ આપ્યો હતો અને ત્યારબાદ કામ ઠપ્પ પડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ માર્ગ પર કોઈ પણ પ્રકારનું કામ ચાલી રહ્યું નથી. એક પણ ઓવરબ્રિજનું કામ પૂર્ણ નથી થયું, જે ઝડપથી શરૂ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર અસલાલી પાસે કટ કે અંડર બ્રિજ બનાવવાની જરૂરિયાત હોવાની રજુઆત પણ તેમણે કરી હતી. સાથે જ નેશનલ હાઈવે 8E પર વેરાવળ-કોડીનાર વચ્ચેના માર્ગ પર પણ કોઈ કામગીરી ન થઈ રહી હોવાની રજુઆત તેમણે કરી હતી.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (parshottam rupala) એ સૌરાષ્ટ્ર અને અમરેલીના નેશનલ હાઈવે અંગે રજુઆત કરી હતી. જેમાં ધીમા ચાલી રહેલા કામોમાં ઝડપ લાવવા અને તૂટી ગયેલા રસ્તાઓનું મેઈન્ટનન્સ એજન્સીઓ ઝડપથી કરે તે અંગે રજુઆત કરી હતી. અમરેલી જિલ્લામાંથી પસાર થતા 3 રસ્તાઓને અંગે પણ તેમણે રજુઆત કરી હતી.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે (shaktisinh gohil) પણ લાંબા સમયથી ચર્ચિત ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે અંગે રજૂઆત કરી. તેમણે કહ્યું કે, આ હાઈવે પર 2 ખંડ નું કામ ચાલે છે. જ્યારે 4 ખંડમાં કામ ચાલુ જ નથી થયું. આ કામ ક્યારે પૂરું થશે તે હાલ દેખાઈ નથી રહ્યું. લાંબા સમયથી લોકોની આ રસ્તા માટે માંગ હતી, પણ તેનું કામ ખુબ જ મંથર ગતિએ ચાલુ છે અને વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. આ ઉપરાંત તેમણે ભાવનગર-ધોલેરાના 4 માર્ગીય રસ્તા અંગે ફરી જમીન કપાત અંગે રજુઆત કરી. હાલના હયાત માર્ગ ઉપરાંત નવા માર્ગ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે સ્થાનિકો માટે માથાના દુઃખાવા સમાન છે. આ પ્રોજેક્ટમાં લોકોની હાલાકી ઘટે તે પ્રમાણે કામ થાય તે જરૂરી છે. સાથે જ તેમણે નેશનલ હાઈવેના મેઈન્ટનન્સની જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. એક વાર રસ્તા બન્યા બાદ એજન્સીઓ તેનું યોગ્ય મેઈન્ટનન્સ ન કરતી હોવાની તેમની રજુઆત હતી. આ અંગે મોટાભાગના સાંસદો સહમત જોવા મળ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, વર્ષ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 7 રસ્તાઓને નેશનલ હાઈવે બનાવવાની જાહેરાત કરી હતી, પણ તેમાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. ચિલોડા-હિંમતનગર હાઈવેના બંધ પડેલા કામ ફરી શરૂ કરવા શક્તિસિંહે અનુરોધ કર્યો હતો.
ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ-પોરબંદર હાઈવેના રિપેરીંગ અંગે રજુઆત કરી. સાથે જ તેમણે પોરબંદર જિલ્લામાં નવાગામ પાસે ઘેડ જવાના રસ્તા પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા ઓવરબ્રિજ બનાવવાની રજુઆત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, સમગ્ર દેશમાં ચાલી રહેલા નેશનલ હાઈવેના કામોમાં રસ્તાને સમાંતર ઓક્સિજન વધારતા વૃક્ષો વાવવાની અને મેઈન્ટનન્સ જવાબદારી જે તે એજન્સીને સોંપવામાં આવે. જેથી હરિયાળા રસ્તાઓ સમગ્ર દેશમાં જોવા મળે. તેમના આ સૂચનને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આવકાર્યું હતું. તેમણે મંજુર થયેલા ભાણવડ-જામજોધપુર, ખંભાળિયા પાસેના અડવાણા, ભાણવડ-ખંભાળિયાના રસ્તાઓને વર્ક ઓર્ડર ઝડપથી આપવામાં આવે તે અંગે પણ રજુઆત કરી હતી. આ માર્ગોનું કામ ઝડપથી શરૂ થાય તો સ્થાનિકોના પ્રશ્નોનો ઉકેલ આવશે તેવી તેમને આશા છે.
ભાજપ સાંસદ જુગલજી ઠાકોરે અમદાવાદ-રાધનપુર અંગેના રસ્તા અંગે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે આ માર્ગો પર વાહનવ્યવહાર વધ્યો છે, ત્યારે મહેસાણા-બેચરાજી-રાધનપુર વચ્ચેના 2 માર્ગીય રસ્તાને 4 માર્ગીય કરવામાં આવે જેથી લોકોના અકસ્માતનો ભય ઘટે અને લોકો સમયસર નિયત સ્થાને પહોંચી શકે. પાટણ- સાંતલપુર થઈને જતા રસ્તાને 4 માર્ગીય બનાવવો જરુરી હોવાની તેમણે રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જંગલ આરક્ષિત વિસ્તારોમાં નેશનલ હાઈવેના કામ ફોરેસ્ટ વિભાગના સંકલન સાથે કરવામાં આવે તેવું પણ સૂચન કર્યું હતું. નેશનલ હાઈવે પર તમામ સુવિધાઓ સાથેના ફૂડ જોઈન્ટ્સ પણ બને તે અંગે તેમણે સૂચન કર્યું હતું.
આ પણ વાંચો : જામનગર સરકારી મેડિકલ કોલેજનો ફતવો, ઈન્ટર્ન ફરજ પર હાજર નહિ થાય તો ઈન્ટર્નશિપનો સમયગાળો વધારી દઈશું
ગુજરાતના મોટાભાગના સાંસદોએ પોતાના વિસ્તારના માર્ગોના કામ અંગે રજુઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના વડપણ હેઠળ વિભાગનું કામ સારું હોવાનો સાંસદોનો સુર હતો પણ સાથે જ પોતાના વિસ્તારના કામો ઝડપથી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓને તાકીદ કરવા રજુઆત કરી હતી. નેશનલ હાઈવેના મેઈન્ટનન્સની જવાબદારી સુનિશ્ચિત કરવા સાંસદોએ માંગ કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે લાંબા સમયથી પેન્ડિંગ છે તેવા નેશનલ હાઈવે ના કામ આ રજુઆતો બાદ કેટલી ઝડપથી શરૂ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે