ખેડૂતો આનંદો! ગુજરાતના દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં આ બે દિવસ ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર

રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા : ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી : એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ.

ખેડૂતો આનંદો! ગુજરાતના દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં આ બે દિવસ ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે આદર્શ બને એ માટે મિશન મોડથી કામ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી. ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા હોવાનું પણ તેમણે જણાવ્યું. ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી. એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ આપવામાં આવી. જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકોએ અઠવાડિયામાં બે દિવસ; રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાશે. રાજભવનમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતી માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો.

રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ - ૨૦૨૩ ના અંત સુધીમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજભવનમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિસ્તરે તે માટે સતત ચિંતા કરી રહ્યા છે. પર્યાવરણના જતન માટે, લોકોના સારા સ્વાસ્થ્ય માટે અને ખેડૂતોના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય છે.

જો ખેડૂતો યોગ્ય પદ્ધતિ સમજે અને પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરતા થાય તો ઉત્પાદનની ગુણવત્તા અને માત્રા બંનેમાં વૃદ્ધિ થાય છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,પ્રાકૃતિક ખેતી દેશી ગાય પર આધારિત છે. ખેડૂતો સારી નસલની દેશી ગાય રાખે, તેના દૂધથી સ્વયં બળવાન બને અને તેના ગોબર-ગૌમૂત્રથી ખેતરને પણ બળવાન બનાવે એ સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે આદર્શ બને એ માટે મિશન મોડથી કામ કરવા તેમણે તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મોડેલ પ્રાકૃતિક ફાર્મ બનાવીને ત્યાં ખેડૂતોને તાલીમ અપાશે. કૃષિ વિભાગ અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી-આત્મા દ્વારા તાલીમ કાર્યક્રમ સઘન બનાવાયા છે. ડિસેમ્બર-૨૦૨૩ ના એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તાલીમ આપનારા અધિકારીઓ અને નિષ્ણાત ખેડૂતોએ ૩૩,૭૬૩ ખેતરોમાં જઈને ખેડૂતો સાથે મુલાકાત કરી છે. છેલ્લા આઠ મહિનામાં ૨૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.

તમામ જિલ્લાઓમાં કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓના સતત માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવાનું કામ થઈ રહ્યું છે. કલેક્ટર કક્ષાએ પણ પ્રતિમાસ સમીક્ષા થઈ રહી છે. કલેક્ટર દ્વારા ૪૧ સ્થળોએ રાત્રિસભા યોજીને ૨,૭૦૫ ખેડૂતો સાથે સીધી વાત કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમામ જિલ્લા મથકો અને જિલ્લાના તમામ તાલુકા મથકોએ, અઠવાડિયામાં બે દિવસ; રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાય અને ત્યાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તે સુનિશ્ચિત કરવા તમામ કલેકટર્સ અને ડીડીઓને સૂચના આપવામાં આવી છે. ગુજરાત ઑર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સી-ગોપકાને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતોના સર્ટિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા અને સર્ટિફિકેશન માટે ખેડૂતોને જાગૃત કરવા સૂચના આપવામાં આવી હતી.

હાલોલમાં કાર્યરત થઈ રહેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડી. એચ. શાહ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનીષકુમાર બંસલ,  સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામકો, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news