ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહિ, ગુજરાત સરકાર જલ્દી લઈ શકે છે આ નિર્ણય

ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહિ, ગુજરાત સરકાર જલ્દી લઈ શકે છે આ નિર્ણય
  • CBSE બોર્ડને પગલે ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા (12th board) રદ કરશે કે નહિ તે જોવું રહ્યું
  • ગુજરાતના વાલી મંડળે CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો છે. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષાની જાહેરાત કરી છે. ગઈકાલે પરીક્ષા (board exam)નું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં પરીક્ષા યોજાશે કે નહિ તે મામલે ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા (12th board exam) લેવી કે નહીં અને કોરોના ત્રીજા વેવની તૈયારીઓ પર ચર્ચા થશે.

ગઈકાલે ટાઈમટેબલ જાહેર કરાયું 
તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. આ પરીક્ષા 16 જુલાઈ સુધી ચાલશે. ત્યારે CBSE બોર્ડને પગલે ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા (12th board) રદ કરશે કે નહિ તે જોવું રહ્યું. ગુજરાતના વાલી મંડળે CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો છે. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી છે. 

પરીક્ષા રદ કરવા વાલી મંડળની માંગ 
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે સીએમની અધ્યક્ષતામાં બેઠક બોલાવી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચાર વિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી છે. CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડલના પ્રમુખ ભાસ્કર પટેલે આવકાર્યો છે. ગુજરાત બોર્ડ દ્વારા આજે જ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે ત્યારે બીજી તરફ પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. એવામાં રાજ્ય સરકાર પણ મહામંડળ દ્વારા અગાઉ આપેલા વિકલ્પ પર વિચારે એવી વિનંતી કરી છે. વાલીઓ હવે ચિંતિત બન્યા છે ત્યારે ત્રીજી વેવની આશંકા વચ્ચે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news