ગુજરાતની દીકરીએ એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ, આદિવાસી સમાજ દ્વારા 1 લાખનું ઈનામ જાહેર
18મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધી 13 ગોલ્ડ જીત્યા છે, ભારતની મહિલા રિલે ટીમે ગોલ્ડ જીત્યો
Trending Photos
અમદાવાદ. ગુરૂવારે એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4x400મી. રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ ટીમમાં ગુજરાતના ડાંગમાં જન્મેલી સરિતા ગાયકવાડ પણ હતી. આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સરિતાને રૂ.1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ હતી. સમાજે જણાવ્યું કે, સરિતાએ આદિવાસી સમાજની સાથે-સાથે ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સરિતા ઉપરાંત તેની ટીમમાં હિમા દાસ, પૂવમ્મા રાજુ અને વિસમાયા વેલુવાકોરોથ પણ હતી.
ભારતીય મહિલાઓની ટીમે 3 મિનિટ 28.72 સેકન્ડમાં 4x400મી.ની રિલે દોડ પૂરી કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે જ તેમણે ગોલ્ડ પોતાને નામ કર્યો હતો. ભારતીય ટીમ ગેમ રેકોર્ડ 0.05 સેકન્ડથી ચૂકી ગઈ હતી. ગેમ રેકોર્ડ 3 મિનિટ 28.68 સેકન્ડનો છે. આ એથલેટિક્સમાં વર્મતાન એશિયન રમતોત્સવમાં ભારતનો 9મો અને કુલ 13મો ગોલ્ડ છે. ભારતે આ ઈવેન્ટમાં 2014 ઈન્ચિયોન એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
ભારતીય ટીમે આ સ્પર્ધામાં એકપક્ષીય વિજય મેળવ્યો હતો. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ ભારતીય દોડવીર યુવતીઓથી ઘણી જ પાછળ હતી. શરૂઆત આસામની 18 વર્ષની હિમા દાસે કરી હતી અને તે ખૂબ જ ઝડપથી આગળ નિકળી ગઈ હતી. તેના કારણે જ ભારતને લીડ મળી ગઈ હતી. બાકીની ત્રણ દોડવીર યુવતીઓ સરિતા ગાયકવાડ, પુવમ્મા રાજુ અને વિસમાયાએ આ ઝડપ જાળવી રાખીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.
One horse race !!!
With an astounding opening run by @HimaDas8, Indian girls smash opposition in 4x400 my relay for Gold ! What a race India
🇮🇳 🇮🇳🇮🇳✌✌✌#AsianGames2018 @afiindia @Adille1 pic.twitter.com/ihLXy4vpho
— Yashodhara Raje Scindia (@yashodhararaje) August 30, 2018
બહેરિનને સિલ્વર અને વિયેટનામને બ્રોન્ઝ મળ્યો
આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ બહેરિન અને બ્રોન્ઝ વિયેટનામની ટીમ જીતી હતી. બહેરિનની ટીમે 3 મિનિટ 30.62 સેકન્ડના સમયમાં જીતી હતી. વિયેટનામની ટીમે 3 મિનિટ 33.23 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. વિયેટનામની ટીમે સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ભારતના 13 ગોલ્ડ સાથે 59 મેડલ થયા
ભારતે આ ગેમ્સમાં 12મા દિવસે પોતાની મેડલ સંખ્યા 59 પર પહોંચાડી દીધી છે. જેમાં 13 ગોલ્ડનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતે છેલ્લી 2014ની એશિયન ગેમ્સનું પ્રદર્શન પાછળ રાખી દીધું છે. તેમાં ભારતે 11 ગોલ્ડ સહિત 57 મેડલ જીત્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે