રાજ્યમાં અશ્વારોહણની તાલીમ લેવા ઈચ્છતા લોકો માટે ખુશીના સમાચાર


રાજ્યના સાહસિક નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે  રાજ્ય સરકારે મહત્વો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યના દસ જેટલા સ્થળે આવી હોર્સ રાઇડીંગ સ્કૂલ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં અશ્વારોહણની તાલીમ લેવા ઈચ્છતા લોકો માટે ખુશીના સમાચાર

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યના સાહસિક યુવાનોને અશ્વારોહણની તાલીમ મળે તે માટે રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોના પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ વિભાગ હસ્તકના  માઉન્ટેડ યુનિટ ખાતે અગાઉ અશ્વારોહણની તાલીમ આપવા માટેની હોર્સ રાઇડીંગ સ્કૂલ ચલાવવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી આ રાઇડીંગ સ્કૂલ બંધ હતી. જેથી અશ્વ પ્રેમી સહિતના અન્ય નાગરિકોની આવી અશ્વારોહણ તાલીમ શાળા ફરી શરૂ થાય તેવી લાગણી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજ્યના દસ જેટલા સ્થળે આવી હોર્સ રાઇડીંગ સ્કૂલ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.  આ દશ શાળાઓમાં ૩ મહિનાના બેઝિક કોર્સનું આયોજન કરાશે. રસ ધરાવતા યુવાનો-નાગરિકોએ નજીકની પોલીસ રાઇડીંગી સંસ્થાનો સંપર્ક  કરવાનો રહેશે.   

પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા.૧૦/૦૫/૧૯૮૫ ના ઠરાવ અન્વયે રાજ્યના તમામ શહેર/જિલ્લા માઉન્ટેડ યુનિટમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને તમામ નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપવા અંગે સ્થાનિક અનુકુળતાને ધ્યાનમાં લઇને કાયમી ધોરણે તાલીમ વર્ગો ચલાવવા માટે માઉન્ટેડ યુનિટ ખાતે રાઇડીંગ સ્કુલને મંજુરી આપવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સત્તા સોંપવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, હિંમતનગર, ભુજ, ભાવનગર, મહેસાણા, દાહોદ અને ગાંધીનગર ખાતે અગાઉ પોલીસ હેડ ક્વાર્ટરમાં નાગરિકોને અશ્વારોહણ કરવા માટેની વિધિવત તાલીમ આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આ અશ્વરાઇડીંગ શાળાઓ બંધ હતી. જેથી અશ્વપ્રેમીઓ અને અશ્વારોહણ જેવા સાહસિક ખેલમાં રૂચિ ધરાવતાં યુવાનો દ્વારા આવી અશ્વ રાઇડીંગ શાળાઓ ફરી શરૂ કરવા માટેની રજૂઆત મળી હતી. જેને ધ્યાને લઇને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આવી રાઇડીંગ સ્કૂલ ફરી શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજ્યના ડી.જી.પી. દ્વારા સંબંધીત તમામ એકમોને રાઇડીંગ સ્કૂલ ફરી શરૂ કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે. 

તેમણે ઉમેર્યુ કે, રાજ્યની આ અશ્વ રાઇડીંગ સ્કુલો ખાતે હવે ઘોડેસવારની તાલીમ આપવા  તાલીમાર્થીઓ માટે ૩ માસનો બેઝિક તાલીમ કોર્ષ અને ૩ માસનો એડવાન્સ તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવશે. આવી તાલીમ માટે આવતા તાલીમાર્થીઓને નક્કી કર્યા મુજબ ઘોડેસવારીની પરીક્ષા લઇને ઓછામાં ઓછા ૫૦% ગુણ પ્રાપ્ત કરે તો ઘોડેસવારીના પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. હાલની  કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતાં, રાઇડીંગ સ્કૂલ ખાતે ચાલતી તાલીમ દરમિયાન યોગ્ય સોશ્યલ ડીસ્ટંન્સીંગ સહિતની તકેદારીઓ સાથે જ રાઇડીંગ સ્કૂલ શરૂ થાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તાલીમ લેવા ઇચ્છુક નાગરિકોએ નજીકની પોલીસ રાઇડીંગ સ્કૂલનો સંપર્ક કરવા ગૃહ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news