રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 170 ફૂટ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સજર્યો ઈતિહાસ

આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો.

રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 170 ફૂટ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સજર્યો ઈતિહાસ

ઝી બ્યુરો, અમદાવાદ: આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત દેશના આઝાદીના 76 માં વર્ષમાં પ્રવેશની ઉજવણી આજે આખા દેશમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરવાવવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યમાં ઠેર-ઠેર ધ્વજ વંદન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સાથે રાજ્યમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં વીર શહીદોને યાદ કરતા કહ્યું હતું કે, તેઓ નોકરી, ધંધો અને પરિવાર બધુ જ છોડી અંગ્રેજો સામે લડવા નીકળ્યા હતા. મોદીજીના નેતૃત્વમાં દેશમાં થયેલા વિકાસ કર્યો વિશે જણાવ્યું હતું. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ત્રણ ક્ષેત્રના વિકાસથી આગળ વધી રહ્યા હોવાની વાત કરી હતી. ઉપરાંત સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી હતી.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે અમદાવાદ દેશભકિતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ દરેક વિસ્તારમાં આવેલા ફ્લેટો સોસાયટીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. નાના બાળકોએ હાથમાં તિરંગા લઈને દેશભક્તિના ગીતો સાથે ઉજવણી કરી હતી. આજે સવારે વેજલપુર વિસ્તારમાં મેયર કિરીટ પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ, કડી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત કડી અને ગાંધીનગરના સેકટર-15 અને સેકટર-23 માં સ્થિત કેમ્પસોમાં ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 170 ફૂટના સ્તંભ ઉપર 45 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન શહીદોને અંજલિ પાઠવીને ઉપસ્થિત સર્વ વિદ્યાલય પરિવારજનોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હૃદયના ઉમળકાભેર અભિનંદનની હેલી વરસાવીને રાષ્ટ્રકાજે સમર્પિત બની રહેવા અપીલ કરાઈ હતી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા બક્ષવા કડી અને ગાંધીનગરનાં સર્વ વિદ્યાલયનાં શૈક્ષણિક કેમ્પસોમાં ફરજ બજાવતાં તમામ 2800 કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી રાષ્ટ્રધ્વજ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલ સર્વ વિદ્યાલય દ્વારા આ પૂર્વે વર્ષ 2019 માં પણ 551 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક ‘શૌર્ય યાત્રા’ કડી અને ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

રાજકોટના તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધ્વજવંદન કર્યું હતું. જીતુ વાઘણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આજે જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન દેશભક્તિના રંગમાં રંગાયેલા વિદ્યાર્થીઓએ ઠેર-ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલુ વરસાદમાં પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે કે રેન્જ IG, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

76 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી વડોદરા સહિત જિલ્લામાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં શહેરમાં મેયર, રાજકીય પક્ષો, મંદિરો, શાળા-કોલેજો તથા સંસ્થાઓ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાં તિરંગા યાત્રાઓ પણ નિકળી હતી. બીજી તરફ ડભોઇમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઇ પરમારે ડભોઇ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ભારત માતા કી જય સાથે તિરંગાને સલામી આપી હતી. આ દરમિયાન તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આઝાદીના 76 માં વર્ષમાં પ્રવેશને લઇને સુરતમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી મહુવા તાલુકાના ઉકા તરસાડીયા યુનિવર્સીટીનાં કેમ્પસ ખાતે કરાઈ હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા ધ્વજ વંદન સમારંભમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કનુંભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી ધ્વજ વંદન કર્યું હતું. સાથે અલગ અલગ ક્ષેત્રોમાં રહી શ્રેષ્ઠ કામગીરી કરનાર 40 જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ, કલેકટર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશ્વ પરેડ, પોલીસ પરેડ, ડોગ સ્ક્વોડ પરેડ તેમજ રાષ્ટ્ર ગાન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news