સુરતમાં બસને આગ, ભાયાવદરમાં લોકોનું ટોળુ પોલીસ સ્ટેશનમાં, હાર્દિક પટેલે ટ્વીટ કરી શાંતિની અપીલ કરી

  સુરતમાં બસને આગ, ભાયાવદરમાં લોકોનું ટોળુ પોલીસ સ્ટેશનમાં, હાર્દિક પટેલે ટ્વીટ કરી શાંતિની અપીલ કરી

સુરતઃ શહેરમાં આંગચાપીની ઘટના બની છે. અજાણ્યા અસામાજીક તત્વોએ એક બીઆરટીએસ બસને આગને હવાલે કરી દીધી છે. યોગીનગર વિસ્તારમાં બસને આલ લગાવવામાં આવી છે. આ સાથે શહેરના અન્ય વિસ્તારમાં પણ આતંકી ઘટનાઓ જોવા મળી છે. શહેરના વનમાળી વિસ્તારમાં BRTS સ્ટેન્ડમાં તોડફોડની ઘટના સામે આવી છે. પૂણા સીમાડા રોડ વિસ્તારમાં આવેલ વનમાળી BRTS સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. બીઆરટીએસ સ્ટેન્ડ પર તોડફોડ કરાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

સુરત પોલીસ કમિશનરે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, આવા અસામાજીક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરે પાસના કાર્યકર્તાઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસ કમિશનરે શાંતિની અપીલ કરી છે. 

હાર્દિક પટેલે કરી શાંતિની અપીલ
સુરતમાં બસ સળગાવવાની ઘટના સામે આવ્યા પછી પાસ કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. હાર્દિકે ટ્વીટ કર્યુ કે અસામાજિક તત્વો ગુજરાતની સંપત્તિને નુકસાન કરી રહ્યા છે. સૌને વિનંતી કરું છું કે શાંતિ જાળવો. વિરોધ અહિંસક હોય. હિંસાને મારું સમર્થન નથી.

— Hardik Patel (@HardikPatel_) August 19, 2018

ભાયાવદરમાં લોકોનું ટોળુ પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યું
ઉપલેટાના ભાયાવદરમાં હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં રામધૂન બોલાવી રહેલા જિલ્લા પાસ કન્વીનર સહિત પાંચ લોકોની અટકાયત કરાઈ છે. અટકાયત કરાતા લોકોનું ટોળું પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું હતું. આશરે 1 હજાર જેટલા લોકોએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને રામધૂન બોલાવી હતી. અટકાયતની જાણ થતા ધારાસભ્ય લલિત વસોયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાને લઈ ભાયાવદર, પાનેલી, કોલકીમાં વાતાવરણ ગરમાયું છે. વિરોધ કરી રહેલા લોકોએ અલ્પેશ કથિરીયાને છોડી મુકવા પણ માગ કરી છે ઉપવાસ આંદોલનને મંજૂરી આપવા પણ પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ છે. હાર્દિકની ધરપકડના વિરોધમાં રામધૂન બોલાવી રહેલા પાસ કન્વીનર નયન જીવાણી, રેખાબેન સીણોજીયા, મહિલા પાસના કન્વીનર શીતલબેન બરોચીયાની અટકાય કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news