અમદાવાદ-ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખની નિયુક્તિ હજી પણ લટકી પડી

અમદાવાદ-ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખની નિયુક્તિ હજી પણ લટકી પડી
  • બંને વિસ્તાર પર સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર રહે છે. ત્યારે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું
  • વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપે હવે પોતાનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તરફ માંડયુ છે

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપના સૌથી મોટા સંગઠન અમદાવાદ શહેર હજુ પણ નવા શહેર પ્રમુખની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. શહેર પ્રમુખ એ સંગઠનના મુખ્ય વડા છે તેવા સંજોગોમાં ચૂંટણી લડાવાની સૌથી મોટી જવાબદારી પણ શહેર પ્રમુખ પર હોય છે. પણ હજુ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઈ નથી. ભાજપે પોતાના 39 શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત 1 મહિના પહેલા જ કરી નાંખી, પણ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની નિયુક્તિઓ લટકી પડી છે. જેના કારણે સંગઠનની સંરચના પણ અટકી પડી છે. જો કે ભાજપનો દાવો છે કે નવું સંગઠન જાહેર ન થાય તો પણ જૂના સંગઠનના હોદ્દેદારોના આધારે જ ચૂંટણી લડાતી હોય છે. 

આ પણ વાંચો : બોલિવુડ-ટેલિવુડ સ્ટાર્સની લાડલી બની ગઈ સુરતની ટેણકી આર્યા, Photos જોઈને નજર ન લગાડતા

બંને વિસ્તાર પર સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર
જે રીતે આગામી મહિને જ ચૂંટણી જાહેર થવાની શક્યતા છે તે જોતા હવે નવા પ્રમુખો જાહેર થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. આ બંને વિસ્તાર પર સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર રહે છે. ત્યારે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું છે. જો કે હાલમાં તો અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના વર્તમાન સંગઠને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે બંને જગ્યા પર ટીમનો આધાર હવે ચૂંટણીના પરિણામો પર આધારિત છે. અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તા પર છે. ત્યારે આ વખતે પણ વધુ એક વાર ભાજપ આ મહાનગરપાલિકા પર સત્તા જાળવી રાખવાના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરશે. 

વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપનું લક્ષ્ય સ્થાનિક ચૂંટણીઓ તરફ
જાન્યુઆરી મહિનામાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ત્યારે ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપે હવે પોતાનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તરફ માંડયુ છે. તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અત્યારથી જ કમર કસી છે. આગામી એક સપ્તાહમાં ભાજપ દ્વારા જિલ્લા સ્તરે બૃહદ સંકલન બેઠક યોજી સ્થાનિક પડકારો અને તેમના વિશે વિસ્તૃત રિપોર્ટ બનાવવાની સૂચના આપી દેવામાં આવી છે. 

પેજ સમિતિઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા હોદ્દેદારોને સૂચના 
દરેક જિલ્લા દીઠ 2 નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભાની પેટાચૂંટણીની જેમ જ આ નિરીક્ષકો તમામ જિલ્લામાં મુલાકાત લઈને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરશે. જેમાં સ્થાનિક પડકારો અને પક્ષની સ્થિતિની સમીક્ષા થશે. તે પહેલા આ સપ્તાહમાં તમામ જિલ્લામાં બૃહદ સંકલન બેઠક યોજાશે. જેમાં ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખના લોકો પણ હાજર રહેશે. જેનો મુખ્ય હેતું આગામી ચૂંટણીઓ પહેલા પક્ષ સામે રહેલા પડકારો જાણીને સ્થાનિક સંગઠનને સક્રિય કરવાનો રહેશે. પેજ સમિતિઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તમામ હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે. જેથી કરીને ચૂંટણી પહેલા તમામ બુથમાં પેજસમિતિઓ બની જાય તેની જવાબદારી નિશ્ચિત થઈ જાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news