Lok Sabha Election 2024: ભાજપના તમામ ઉમેદવાર જાહેર તો કોંગ્રેસમાં 7 બેઠક પર ગૂંચવાયું છે કોકડું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે. ભાજપે રાજ્યની તમામ 26 સીટો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે તો કોંગ્રેસ પાર્ટીએ હજુ સાત ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. 
 

Lok Sabha Election 2024: ભાજપના તમામ ઉમેદવાર જાહેર તો કોંગ્રેસમાં 7 બેઠક પર ગૂંચવાયું છે કોકડું

અમદાવાદઃ આખરે ભાજપે અંતિમ યાદી જાહેર કરી દીધી છે. પોતાની ત્રીજી યાદી જાહેર કરતાની સાથે જ ભાજપના તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. ભાજપે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે. ત્યારે 26 બેઠકો પર જંગી લીડથી જીતવા માટે ભાજપે કેવો પ્લાન તૈયાર કર્યો છે. જોઈએ આ અહેવાલમાં... 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસ બાકી છે. ત્યારે ભાજપે પોતાના તમામ ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે પોતાની તમામ 26 બેઠક માટે ઉમેદવાર જાહેર કરતા હવે લોકસભાની ચૂંટણીને ખરો રંગ ચડ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં હજુપણ 7 બેઠકોને લઈને કોકડું ગૂંચવાયું છે. 

સૌથી પહેલાં ભાજપના તમામ 26 ઉમેદવારો પર એક નજર નાંખી દઈએ. એ પણ જાણી લઈએ કે ભાજપે કઈ બેઠક કોને રિપીટ કર્યા છે, જાણે ક્યાં સાંસદનું પત્તુ કાપીને ક્યાં નવા ઉમેદવારને મેદાને ઉતાર્યો છે. 

ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભાની ચૂંટણી માટે 26માંથી કુલ 12 સાંસદોને રિપીટ કર્યા છે. ભાજપના રિપીટ કરેલા ઉમેદવારો પર નજર કરીએ તો...

ગાંધીનગર બેઠક પર અમિત શાહને રિપીટ કરાયા
નવસારી બેઠક પર સી.આર.પાટીલને રિપીટ કરાયા
જામનગર બેઠક પર પૂનમ બેન માડમને રિપીટ કરાયા
ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને રિપીટ કરાયા
કચ્છ બેઠક પર વિનોદ ચાવડાને રિપીટ કરાયા
ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા
અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરાયા
બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને રિપીટ કરાયા
આણંદ બેઠક પર મિતેષ પટેલને રિપીટ કરાયા
પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા
દાહોદ બેઠક પર જસવંતસિંહ ભાભોરને રિપીટ કરાયા
જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા

ભારતીય જનતા પાર્ટીએ 2019માં પણ આ તમામ ઉમેદવારોને ટિકીટ આપી હતી. ત્યારે ફરી આ તમામ સાંસદો પર ભાજપે ભરોસો મુક્યો છે, અને 2024ની લોકસભા ચૂંટણી માટે રિપીટ કર્યા છે. 

ભાજપ સરકારે કેન્દ્રમાં મહિલાઓને સંસદ સુધી તક મળે તે માટે મહિલા અનામત બિલ પસાર કરી ત્રીજા ભાગની બેઠકો સુરક્ષિત રાખવાની જોગવાઇ કરી. પણ ભાજપે ગુજરાતમાં જ 26માંથી માત્ર ચાર બેઠત પર મહિલાઓને તક આપી છે. કઈ બેઠકો પરથી ભાજપની મહિલા બ્રિગેડ લડશે એ પણ જોઈ લઈએ. 

જામનગર બેઠક પરથી ફરી પૂનમબેન માડમ મેદાને છે. તો ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળને ટક્કર આપીને હવે નિમુબેન બાંભણીયા ચૂંટણી લડશે, આ તરફ બનાસકાંઠા બેઠક પર ડૉ.રેખાબેન ચૌધરી અને સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયા લોકસભા માટે તૈયાર છે. 

ભાજપે વર્ષ 2019ની ચૂંટણીમાં 6 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેના બદલે આ વખતે 2024ની ચૂંટણીમાં માત્ર 4 મહિલા ઉમેદવારોને જ મેદાને ઉતારી છે. એટલે કે આ વખતે મહિલા ઉમેદવારો કુલ ઉમેદવારોના છઠ્ઠા ભાગથી પણ ઓછા છે. 

 ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની છવ્વીશે-છવ્વીશ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પોતાના 7 ઉમેદવારોના નામને લઈને ગડમથલ કરી રહી છે. 

કોંગ્રેસ પાર્ટી કઈ 7 બેઠકને લઈને ગૂંચવાઈ છે, તેના પર નજર કરીએ તો મહેસાણા, નવસારી, વડોદરા અને અમદાવાદ પૂર્વ પર નામ જાહેર કરવાના બાકી છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી. 

કોંગ્રેસ પાર્ટી હજુ 7 બેઠક પર દિગ્ગજ ઉમેદવારની શોધમાં છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024નું ચિત્ર સ્પષ્ટ કરી દીધુ છે. અને લોકસભાને જંગી બેઠકો સાથે જીતવા માટે પ્રચાર પડઘમ પણ તેજ કરી દીધા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news