વિવાદ વગર પૂર્ણ થઈ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 લાખ ઉમેદવારો નોંધાયા

Binsachivalay Exam : અગાઉ ત્રણવાર રદ થયેલી પરીક્ષા આખરે આજે પૂર્ણ થતા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પરીક્ષા વિશે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ.કે. રાકેશે જણાવ્યું કે, રાજ્યમાં મોટામાં મોટી પરીક્ષા હતી

વિવાદ વગર પૂર્ણ થઈ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 લાખ ઉમેદવારો નોંધાયા
  • બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ 
  • પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
  • ગુજરાત ગૌણ સેવા મંડળના ચેરમેન એ.કે.રાકેશે કર્યું ટ્વીટ
  • એ.કે.રાકેશે CM અને અન્ય અધિકારીઓનો આભાર માન્યો

અતુલ તિવારી/અમદાવાદ :બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રાજ્યમાં શાંતિથી સંપન્ન થઈ હતી. અગાઉ ત્રણવાર રદ થયેલી પરીક્ષા આખરે આજે પૂર્ણ થતા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પરીક્ષા વિશે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ.કે. રાકેશે જણાવ્યું કે, રાજ્યમાં મોટામાં મોટી પરીક્ષા હતી. 10.45 લાખ કરતાં વધુ ઉમેદવારો નોંધાયા હતા. જેની સામે 4,01,423 એટલે કે 38 ટકા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. રાજ્યના વહીવટી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સહકાર સારો મળ્યો હતો. કોઈ વિવાદ વગર આ પરીક્ષા પૂર્ણ થઈ. 

તેમણે વધુમાં કહ્યુ કે, પરીક્ષાના સંચાલન સાથે જોડાયેલા હતા તે તમામનો આભાર. OMR શીટ તમામ 32 જિલ્લામાંથી આવી જશે, દૂરના જિલ્લામાંથી આવતા રાત થઈ શકે છે. તેના બાદ એક કલાકમાં સ્કેન કરીને અપલોડ કરી દઈશું. 5 વાગ્યા સુધીમાં તમામ OMR શીટ વેબલિંક પર જોઈ શકાશે. જગ્યા લિમિટેડ છે એટલે તમામ ઉમેદવાર સફળ ના થાય તેવુ પણ બને, પણ જે ના થાય એ અન્ય પરીક્ષામાં મહેનત કરે અને સારું પરિણામ મળે એવી શુભેચ્છા. 

અગાઉ હેડ ક્લાર્કની 20 માર્ચે પરીક્ષા થઈ હતી ત્યારે ઓછી હાજરી અને આજની પરીક્ષામાં પણ ઓછી હાજરી હોવાથી મંડળ પર ઉમેદવારોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે એવો સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે અગાઉની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. RAC કમિટી દ્વારા અગાઉ પેપર તૈયાર કરતા હતા. હવે કલેક્ટરના નેતૃત્વમાં અમે કમિટી બનાવી છે. પોલીસમાં DySP ને જગ્યાએ SP ને મેમ્બર બનાવ્યા છે. અગાઉ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં પેપર મોકલતા, પણ હવે ગાંધીનગરમાં પહેલા પેપર આવે અને જે તે જિલ્લામાં મોકલવામાં આવે છે. તમામ લેવલ પર વિડિયોગ્રાફી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પેપર મોકલીએ છીએ. આ વખતે સ્પેશિયલ સિક્યોરિટી પેકિંગનો ઉપયોગ કર્યો છે. જો કોઈ છેડછાડ કરે તો ખ્યાલ આવી જાય એવા પેકીંગનો ઉપયોગ કર્યો છે. ઉમેદવાર કેન્દ્રમાં જાય એ પહેલા જ સ્ક્રીનીંગ કરીને પ્રવેશ આપ્યો છે. 

પરીક્ષામા ગેરરીતિની ફરિયાદ વિશે જણાવ્યુ કે, દ્વારકા અને સાબરકાંઠામાં 1-1 એમ કુલ બે જેટલી ગેરરીતિની ઘટના સામે આવી છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા સમયે એક જગ્યાએ સ્માર્ટ વોચ અને અન્ય એક જિલ્લામાં બ્લુ ટૂથ લઈને પ્રવેશની ઘટના બની હતી. પેપર ટ્રેકિંગ કરવા માટે પણ એક એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે. પેપર અને OMR શીટ ક્યાં છે એ અમે જાણી શકીએ એ માટે એપ્લિકેશન વાપરી છે. 7 સેન્સટિવ જિલ્લામાં સુપરવિઝન માટે ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગરમાંથી મૂકવામાં આવ્યા હતા, સચિવ અથવા કલેકટર કરતા સિનિયર અધિકારીઓની મદદ લીધી હતી. સંવેદનશીલ જિલ્લાઓના ઉમેદવારોને અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા.

પરીક્ષામાં નોંધણીની સામે ઓછી હાજરી વિશે તેમણે ઉમેર્યુ કે, જે સિરિયસ ઉમેદવારો હતા એમણે જ પરીક્ષા આપી હોય, જેમને પરિણામ હકારાત્મક મળવાની શક્યતા ના લાગતી હોય એ પરિક્ષાથી દૂર રહ્યા હોય એટલે હાજર ઉમેદવારોની સંખ્યા 38 ટકા રહી હોય એવું બની શકે. અમદાવાદ અને ગાંધીનગરની OMR શીટ વહેલી મળે એટલે એ પહેલા અપલોડ થઈ જશે, ઉમેદવારો તરત તેમની OMR શીટ જોઈ શકશે. 10 દિવસમાં આન્સર કી અપલોડ કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news