રિસર્ચ કરવી પડે તેવી ઘટના : 4 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવી કેનાલ પરથી માંડ માંડ પસાર કરાયા મહાકાય રિએક્ટર
પહેલીવાર એવુ જોવા મળ્યુ કે, કોઈ મહાકાય મશીનને પાર કરવા માટે 4 કરોડનો બ્રિજ બનાવવો પડ્યો, અને કેટલાય દિવસ કેનાલનુ પાણી બંધ કરાયું, થરાદમાં આવી ચઢેલા મહાકાય રિએક્ટરને માંડ માંડ નવા બ્રિજ પરથી પસાર કરાયા
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :ભરૂચના દહેજથી રાજસ્થાન જવા નીકળેલા બે મહાકાય રિએક્ટર બનાસકાંઠા આવીને અટકી પડ્યા હતા. 15 દિવસથી અહીં અટવાયેલા મહાકાય રિએક્ટર આખરે મહામહેનતે એક નાનકડી કેનાલ પાર કરાયા હતા. રિસર્ચ કરી શકાય તેવી આ રિએક્ટરને પાર કરવાની ઘટના હતી. કારણ કે, બે રિએક્ટરને પાર કરવા માટે કેનાલ પર 4 કરોડના ખર્ચે હંગામી પુલ ઉભો કરાયો હતો અને આખરે થરાદ-વાવ હાઇવે પરથી માંડ-માંડ રિએક્ટર પસાર થયાં હતા. જેને માત્ર 10 દિવસમાં ઉભો કરાયો હતો.
થરાદ-વાવ હાઇવે ઉપર આવેલી નર્મદા કેનાલની અંદર રૂપિયા 4 કરોડના ખર્ચે બનાવેલા લોખંડના હંગામી પુલ ઉપરથી આજે બે ભારે વાહનોને ઘણી જહેમત બાદ પસાર કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાના થરાદ-વાવ હાઇવે ઉપર આવેલી નર્મદા કેનાલને તોડીને મશીનરી લઇ જતા બે વાહનો માટે કેનાલની અંદર લોખંડનો નવો પુલ તૈયાર કરાયો હતો, જે પુલ ઉપરથી આજે બે ભારે વાહનો પસાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ રિએક્ટર બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતુ ત્યારે જોનારા માટે આ દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રિએક્ટરને પસાર થતા જોવા ઉમટી પડ્યા હતા.
થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર પડ્યા રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મહાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી સાત મહિને થરાદ પહોંચ્યા હતા. HPCLના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની ટીમ દ્વારા આ મહાકાય રિએક્ટરને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે. આ બંને મહાકાય રિએક્ટરોને થરાદની નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું હતું. કારણ કે, નર્મદા કેનાલનો પુલ 400 ટન વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી હતી. આ માટે થરાદમાં નર્મદાની કેનાલ ઉપર હાલ તો કામચલાઉ બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ક્રેનની મદદ લેવાઈ હતી. દહેજથી રાજસ્થાન મોકલાવી રહેલા બે રિએક્ટરોને નુકસાન ન પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી પસાર કરવામાં આવ્યો હતો. અંદાજિત 4 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી આ રિક્ટરને પસાર કરાયા હતા. જોકે, આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ 20 કરોડ આવવાનો છે.
થરાદ આવીને અટકી પડ્યુ રિએક્ટર
દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારેખમ રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી કંપનીમાં બાયરોડ લઈ જવામાં આવી રહ્યા છે, જે ભારેખમ રીએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા થરાદના નર્મદા કેનાલ પરથી પસાર ન થઈ શકતા ત્યાં જ અટકી પડ્યા હતા. થરાદની નર્મદા કેનાલમાં પાણી બંધ રખાઈ કેનાલ ઉપર 4 થી સવા ચાર કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવાયો હતો. હવે આ મહાકાય રિએક્ટર્સને રાજસ્થાન લઈ જવાશે.
મશીનને રાજસ્થાન પહોંચાડવાનો ખર્ચ 20 કરોડ
દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ ભરી રહી છે. આ મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે. આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021 માં દહેજથી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 7 મહિના પહેલા મુન્દ્રાથી બાય રોડ રવાના કરાયા હતા. જેને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે. જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા, જે રીએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ મોજૂદ છે, જેમાં કંપનીના એન્જિનિયરો, મિકેનિકલ, લોજિસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે. જોકે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જીનિયરો અને ટેક્નિશનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો રહેતા આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા હતા. થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટર્સને હવે નર્મદા કેનાલ પાર કરાવવાની હતી. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે આ એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવ્યો હતો. જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. લોખંડના બ્રિજનું કામ રાતદિવસ કરાયું હતું. જોકે, મશીનનો દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અંદાજે 20 કરોડ આવશે.
થરાદની કેનાલ પાસ કરાવવી મોટી ચેલેન્જ
ઇજેક હીટાચી જોશેન લિમિટેડ કંપની કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાયે આ વિશે જણાવ્યું હતું કે, હાલ થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટરોને હવે થરાદની નર્મદા કેનાલ પાર કરાવવાની હતી. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. બે રીએક્ટર પૈકી 352 ટાયર ધરાવતા રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને 448 ટાયર ધરાવતા બીજા રીએક્ટરનું વજન 1148 મેટ્રિક ટન છે. જે એક્શલ સાથે 1396 મેટ્રિક ટન છે, જેમાં સૌથી મોટાની ઊંચાઈ 6.5 મીટર, જ્યારે પહોળાઈ 8.5 મીટર અને લંબાઈ 4.5 મીટર છે. જેથી થરાદની નર્મદા કેનાલનો પુલ તેનું વજન સહન કરી શકે તેમ ન હોવાથી આ મહાકાય રીએક્ટર્સ થરાદ ખાતે અટવાયા હતા. હવે એન્જીનિયરો દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જોકે તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ અલગ થશે.
12 દિવસથી કેનાલનું પાણી બંધ કરાયું
ફોલ્ડિંગ સ્ટ્રક્ચરના મુખ્ય પાંજરા જ 25 ટન વજન ધરાવશે, નર્મદા કેનાલ ઉપર પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેનું વજન 350 ટન અને ઊંચાઈ 25 મીટર છે. કેનાલ ઉપર બની રહેલા લોખંડના બ્રિજની બંને સાઈડ પર ડબ્લ્યુ એમ એમ મટીરીયલ નાંખીને રોડ પણ બનાવવામાં આવ્યો હતો. મહાકાય રીએક્ટરને કેનાલ પાર કરાવવા 12 દિવસ માટે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. જેના કારણે થરાદ, વાવ અને રાજસ્થાનના છેવાડાના ગામડાઓને પીવાના પાણીની હાલ પૂરતી હાલાકી ભોગવવી પડી હતી. જોકે કેનાલ ઉપર લોખંડનો ફોલ્ડિંગ બ્રિજ બન્યા બાદ બંને રીએક્ટરોને કેનાલ પાર કરાવવામાં આવી હતી. જોકે રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી સુધી આ રીએક્ટરો પહોંચાડવા હજુ કેટલો સમય લાગશે તે નક્કી નથી, પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનો અંદાજીત ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
દહેજથી નીકળેલ મહાકાય વિશાળ રીએક્ટર્સ થરાદ આવી પહોંચતા અને તે થરાદમાં અટવાતા કેનાલ ઉપર લોખંડનો બ્રિજ બનાવવાનું શરૂ કરાતાં થરાદ અને આજુબાજુના ગામોના લોકો આ મહાકાય રીએક્ટર્સ અને બ્રિજના નિર્માણના કામને જોવા ઉમટી પડ્યા હતા. ત્યારે રિએક્ટરને પસાર કરવાના સમયે પણ લોકોએ તેને નિહાળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે