નકલી નોટના મોટા રેકેટનો પર્દાફાશ, 316 કરોડની નોટ જપ્ત, મુખ્ય આરોપી સહિત 6 ઝડપાયા

29 સપ્ટેમ્બરે અમદાવાદ-મુંબઈ હાઈવે પર એમ્બ્યુલન્સમાં મળેલી નકલી નોટ મામલે પોલીસે તપાસ કરતા સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે મુંબઈથી સમગ્ર ઘટનાના માસ્ટર માઇન્ડ સહિત છ લોકોની ધરપકડ કરી છે. કુલ 316 કરોડની નકલી નોટ મળી આપી છે. 

નકલી નોટના મોટા રેકેટનો પર્દાફાશ, 316 કરોડની નોટ જપ્ત, મુખ્ય આરોપી સહિત 6 ઝડપાયા

. સંદીપ વસાવા, સુરતઃ સુરત જિલ્લાની કામરેજ પોલીસે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઈ જતા રોડ પર પારડી ગામ પાસે નકલી નોટ ઝડપી હતી. ત્યારે 25 કરોડની ડુપ્લિકેટ નોટનું કૌભાંડ સામે આવ્યું હતું. આ નકલી નોટ મામલે વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ નકલી નોટનો રેલો માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ અને હવે દિલ્હી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી સમગ્ર મામલાના માસ્ટર મઇન્ડ વિકાસ જૈન સહિત છ લોકોને ઝડપી લીધા છે. તો પોલીસે આશરે 316 કરોડ રૂપિયાની નકલી નોટ કબજે કરી છે. 

કામરેજ પોલીસને બાતમી મળી હતી કે દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સમાં નકલી ચલણી નોટો ઘુસાડવામાં આવી રહી છે. જેને લઇ પોલીસે વોચ ગોઠવી અને એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. એમ્બ્યુલન્સમાંથી પોલીસને 25.80 કરોડની નકલી ચલણી નોટો મળી આવી હતી. જોકે એમ્બ્યુલન્સ ચાલકની સઘન પૂછપરછ બાદ જામનગરના કાલાવડ તેમજ આણંદ ખાતેથી વધુ 52 અને 12 કરોડ એમ 64 કરોડની ચલણી નોટો મળી આવી હતી. જોકે નકલી ચલણી નોટો પર મુવીના શુટિંગ માટે આ નોટ વાપરવાનો હેતુ એવું લખવામાં આવ્યું હતું. પરંતુ કેટલીક બાબતો શંકાસ્પદ લગતા પોલીસે તપાસ શરુ કરી હતી.

ઝડપાયેલા એમ્બ્યુલન્સ ચાલકની સઘન તપાસ કરતા તપાસનો રેલો મુંબઈ સુધી પહોચ્યો હતો. અને પોલીસને દાળમાં કંઇક કાળું હોવાનો અંદેશો આવી ગયો હતો. એમ્બ્યુલન્સ ચાલકની તપાસમાં જેનું નામ ખુલ્યું હતું એવા વિકાસ જૈનની પોલીસે અટકાયત કરી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસને વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી મળી આવેલી ચલણી નોટો જોઈ પોલીસની આંખો પણ પહોળી થઇ ગઈ હતી. તપાસમાં પોલીસને 227 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી, જે પૈકી 67 કરોડ રૂપિયાની નોટો તો 2016માં ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની 500 અને 1000ના દરની હતી.

તપાસ દરમિયાન મુંબઈ થી ઝડપાયેલો આરોપી વિકાસ જૈન દ્વારા કરવામાં આવેલી કબુલાતમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. વિકાસ જૈન દ્વારા ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ સિવાય ઇન્દોર, મુંબઈ અને બેંગ્લોરમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ કરી વૈભવી ઓફિસો ખોલવામાં આવી હતી. વિકાસ જૈન દ્વારા કાળા નાણાને ધોળા કમીશન પેટે રાજકોટના રવિ પરશાણા નામના વ્યાપારી પાસેથી 1.60 લાખ જયારે અન્ય કેટલાક લોકો પાસે 41.50 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. જેને કાળા નાણા સફેદ કરવાના હોઈ એવા લોકોને જરૂર પડ્યો વીડિયો કોલ દ્વારા નકલી નોટનો જથ્થો બતાવતો હતો. અત્યાર સુધી સાત લોકો તેનો ભોગ બની ચુક્યા છે. 

જે રીતે 2016ના વર્ષની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટોની પણ 67 કરોડ રૂપિયાની નકલી કરન્સી મળી આવી છે. એ જોતા આ કોભાંડ આજનું નહિ પરંતુ લગભગ 2016થી ચાલી રહ્યું છે, કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news