#BhujThePrideOfIndia - રણછોડ પગીની પગલા પારખવાની કરામતથી હાંફી ગયેલાં પાકિસ્તાને તેમના માથા સાટે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું

#BhujThePrideOfIndia - રણછોડ પગીની પગલા પારખવાની કરામતથી હાંફી ગયેલાં પાકિસ્તાને તેમના માથા સાટે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું
  • આજે રજુ થઈ રહેલી હિન્દી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ગુજરાતના પનોતા પુત્ર રણછોડ પગીને અપાયેલી અંજલિ બની રહેશે
  • યુદ્ધ પછી વિજયોત્સવ માટે સામ માણેકશાએ પગીને દિલ્હી બોલાવ્યા ત્યારે શાહી જશ્ન વચ્ચે પણ પગી ઘરેથી લાવેલ રોટલો-ડુંગળીનું ભાતું ખોલીને બેઠાં હતા

ઝી મીડિયા/બ્યૂરો :આજે રજુ થઈ રહેલી હિન્દી ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડદાસ રબારી ઉર્ફે રણછોડ પગી (ranchordas pagi) ની પરાક્રમગાથા છે. બનાસકાંઠાના નાનકડાં ગામમાં જન્મેલા રણછોડ રબારીએ રેગિસ્તાનમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી શિકસ્તથી અકળાયેલા પાકિસ્તાને તેમના માથા સાટે રુ. ૫૦ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. 

પાકિસ્તાનના 1200 સૈનિકો પકડાવી દીધા
બનાસકાંઠાના સૂઈ ગામ નજીક સાવ નાનકડાં કસ્બામાં જન્મેલા રણછોડ રબારીએ પગલાંઓ પારખવાની અનોખી કળા આપબળે હાંસલ કરી હતી. રણમાં ખોવાયેલા ઢોરઢાંખરને શોધવા માટે પગેરા ઓળખવાની આ કળા આગળ જતાં તેમને ભારતીય સૈન્યના ભોમિયા બનાવવામાં નિમિત્ત બની હતી. ઈસ. 1965 માં પાકિસ્તાને કચ્છ (Kutch) ના કેટલાંક વિસ્તાર પર કબજો જમાવી દીધો હતો, ત્યારે પ્રતિકાર કરવા પહોંચેલા ભારતીય સૈન્યને દિશા મળતી ન હતી. એ વખતે રણછોડ પગી (ranchordas pagi) એ રણના ટૂંકા છતાં સલામત રસ્તે ભારતીય સૈન્ય (Indian Army) ને સરહદ સુધી પહોંચાડ્યું હતું. આ દરમિયાન તેમણે પગેરાંઓ પારખીને દુર્ગમ સ્થાને છૂપાયેલા 1200 જેટલાં પાકિસ્તાની સૈનિકોને પકડાવી દીધા હતા. આ ઘટના પછી રણછોડ પગી ભારતીય સૈન્યના માનીતાં બની ગયા હતા.  

શસ્ત્ર સરંજામ પહોંચાડવામાં માહેર
ઈસ. 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન (Pakistan) ના ભારે તોપમારા વચ્ચે ભારતીય સૈન્યને શસ્ત્ર સરંજામ અને રાશન વગેરે પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે સેનાપતિ માણેકશાએ રણછોડ પગીની મદદ માંગી હતી. રણના જાણકાર રણછોડ પગીએ પાલીનગર ચેકપોસ્ટ નજીક અડિંગો જમાવીને રેગિસ્તાનના ટુંકા રસ્તાઓ મારફત ભારતીય સૈન્યની સપ્લાય લાઈન બનાવી આપી હતી. રણછોડ પગી પર માણેકશાનો ભરોસો એટલો બધો હતો કે તેઓ તેમને ‘વન મેન આર્મી એટ ડેઝર્ટ ફ્રન્ટ’ (રણ વિસ્તારમાં એક માણસનું સૈન્ય) તરીકે ઓળખાવતા હતા. 

વિજયોત્સવમાં ડુંગળી-રોટલો લઈને ગયા
1971 ના યુદ્ધમાં પાકિસ્તાનના પરાજય પછી સેનાપતિ સામ માણેકશાએ દિલ્હી ખાતે ભવ્ય વિજયની પાર્ટીનું આયોજન કર્યું ત્યારે રણછોડ પગીને પણ આમંત્રિત કર્યા હતા. ત્યારે રણછોડ પગી પોતાની સાથે રોટલો, સૂકું લાલ મરચું અને ડુંગળી લઈને ગયા હતા. લશ્કરી અધિકારીઓએ કહ્યું કે ‘પગી, ત્યાં તો પાર્ટીમાં અનેક વાનગીઓ હશે. તમે આ બધું કેમ સાથે લો છો?’ પગીએ જવાબમાં કહ્યું કે, ‘મને આ ખોરાક જ ફાવે છે’ અને ખરેખર સૌના આશ્ચર્ય વચ્ચે, પાર્ટીની સ્વાદિષ્ટ વાનગીઓ છોડીને પગી સાથે લાવેલું પોટલું છોડીને રોટલો, મરચું અને ડુંગળી ખાવ બેસી ગયા હતા. એ જોઈને માણેકશા (manekshaw) એ પણ રણછોડ પગીના ઘરના રોટલો-ડુંગળી ખાધા હતા. 

આ પગેરું સ્ત્રીનું છે અને એ ગર્ભવતી છે 
રણ વિસ્તારમાં રહેતાં પશુપાલકો પોતાના ખોવાયેલા ઢોરઢાંખરને શોધવા માટે પગલાંઓના આધારે દિશા નક્કી કરતાં હોય છે. રણછોડ પગી નાનપણથી પગેરા પારખવામાં કાબેલ બની ગયા હતા. રણની ધૂળમાં પડેલાં પગલાંની ઊંડાઈના આધારે તેઓ પગલાનો સમય પણ કહી શકતાં હતા. ભારતીય સૈન્યના અધિકારીઓને આ કળા સમજાવતી વખતે તેમણે કેટલાંક પગલાંઓ પારખીને સમજાવ્યું હતું કે અહીં ત્રણ પ્રકારના પગલાં છે. મોટાં પગલાં પુરુષના છે. એ જરા વધારે ઊંડા છે અને જમણી તરફ ઝુકેલા છે. મતલબ કે તેણે માથા પર કશુંક વજન ઊંચકેલું છે. સાથે એક બાળક અને સ્ત્રી પણ છે. સ્ત્રીના પગલાં જમણે-ડાબે સ્હેજ ત્રાંસા પડે છે માટે તે ગર્ભવતી હોવી જોઈએ. અધિકારીઓએ નજીકના કસ્બામાં તપાસ કરી તો ખરેખર એક પશુપાલક પરિવાર ગર્ભવતી સ્ત્રી સાથે ત્યાંથી પસાર થયો હતો. 

112 વર્ષની પાકટ વયે વિદાય લીધી
ઈસ. 1901 માં જન્મેલા રણછોડ પગીએ 112 વર્ષનું લાંબું આયુષ્ય ભોગવીને વર્ષ 2013 માં વિદાય લીધી હતી. ભારતીય સૈન્યએ સન્માનના પ્રતીક સ્વરુપે આપેલ કોટ અને મેડલ તેઓ સન્માનપૂર્વક સાચવતા હતા. એ સિવાય પોતે કેટલું વિરાટ કાર્ય કર્યું છે તેની તેમને કોઈ મોટપ ન હતી. પગીના પુત્રો અને પૌત્રો પણ પોલીસ ઉપરાંત ભારતીય સૈન્યમાં સેવાઓ આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news