રેલવે કર્મચારીઓએ કર્યું એવોર્ડ વિનિંગ કામ, ધ્યાન ન ગયુ હોય તો ભાવનગર-ઓખા ટ્રેન ભડકે બળીને ખાખ થઈ જાત
Trending Photos
- ભાવનગર-ઓખા ટ્રેનના ટ્રેક પર જીવતો વાયર તૂટીને પડ્યો હતો
- રેલવે કર્મચારીઓની સમયસૂચકતાથી અકસ્માત ટાળી શકાયો
- જો પાંચ મિનિટની ચૂક થઈ હોત તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાય હોત
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાત્રિના 10:15 કલાકે રેલવે ટર્મિનલથી ઉપડતી ભાવનગર-ઓખા ટ્રેન મોટી દુર્ઘટના માંથી ઉગારી લેવાઈ હતી. રેલવે કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ટ્રેન ને ધોળા-સણોસરા રેલવે ટ્રેક પર જ રોકી દેવાઇ જેના કારણે હજારો મુસાફરોના જીવ બચી ગયા છે.
રેલવે કર્મચારીઓને સણોસરા-ધોળા રેલવે ટ્રેક પર ત્યાંથી પસાર થતી ધોળા-પીપવાવ OHE ઇલેક્ટ્રિક ટ્રેન લાઇનનો જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો હોવાની બાતમી મળતા ટ્રેનના પાયલોટને જાણ કરવામાં આવી હતી. જેના કારણે સમય સૂચકતા વાપરી ટ્રેનને સણોસરા નજીક રોકી દેવાઈ હતી.
ભાવનગરથી ઓખા જવા માટે રાત્રિના 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી રાત્રે 11:15 આસપાસ આ ટ્રેન ધોળા પહોચે છે. પરંતુ ટ્રેનના ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની રેલ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળતા ટ્રેન ધોળા પહોંચે એ પહેલા તાકીદે સમય સુચકતા વાપરી ટ્રેનને સણોસરા નજીક રોકી લેવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરોના જીવ બચી ગયા હતા.
ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની બાતમી ન મળી હોત તો ટ્રેન ત્યાંથી પસાર થઈ હોત અને સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ પણ ગયા હોત. પરંતુ રેલવે કર્મચારીઓની સાવધનીના કારણે આ દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.
ધોળા સુધી ઇલેક્ટ્રિક ટ્રેક તૈયાર થઈ ગયો છે જેને ભાવનગર ટર્મિનસ સુધી લંબાવવાની કામગીરી હાલ ચાલુ છે. જ્યારે ધોળાથી પીપાવાવ સુધી ઇલેક્ટ્રિક ટ્રેક તૈયાર છે, જેના કારણે આ લાઈન કાર્યરત છે. ઇલેક્ટ્રિક ટ્રેનને દોડાવવા માટે 25 હજાર મેગા વોટના DC પાવરની જરૂરિયાત હોય છે. ધોળા-પીપવાવ OHE ઇલેક્ટ્રિક ટ્રેન લાઇનનો જે જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો એ અન્ય ટ્રેનના સંપર્કમાં આવે તો 25 હજાર મેગા વોટનો ઝટકો લાગી શકે છે. ટ્રેન પસાર થવામાં જો પાંચ મિનિટની ચૂક થઈ હોત તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાય હોત જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા હોત.
આ પ્રકારની વીજ લાઈન તૂટી પડવી અશક્ય છે, કોઈ આવારા તત્વો દ્વારા કોઈ નુકસાન કરવા કે વાયરની ચોરી કરવાના ઇરાદે વાયર તોડી પાડવામાં આવ્યો હોય એવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે હાલના તબક્કે તો રેલવે કર્મીઓની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
રાત્રિ દરમ્યાન જાણ થતાની સાથે જ રેલવેનો ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક ધોરણે જીવતા વીજ વાયરને ટ્રેક પરથી હટાવી ભાવનગર ઓખા ટ્રેનને પસાર કરી દેવાઈ હતી. હાલ ધોળા-ભાવનગર રેલવેના અધિકારીઓ ત્યાં સ્થળ પર પહોંચી વાયરના પુનઃ જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વાયર શા કારણે તૂટ્યો તે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે