આરોગ્ય સુવિધા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ, સમગ્ર દેશમાં ગુજરાતને મળ્યો 'આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર'

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના વરદહસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર શ્રીમતી શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવૉર્ડ સ્વીકાર્યો હતો.

આરોગ્ય સુવિધા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ, સમગ્ર દેશમાં ગુજરાતને મળ્યો 'આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર'

બ્રિજેશ દોશી/ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આયુષ્માન બનાવવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યાન્વિત કરી છે. આયુષ્માન ભારત ”પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. વર્ષ 2021-22 દરમ્યાન સૌથી વધુ આયુષ્માન કાર્ડ કાઢી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે 26.09.2022 ના રોજ "આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022" એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 50 લાખ આયુષ્માન કાર્ડ કાઢી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની તુલનામાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના વરદહસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર શ્રીમતી શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવૉર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે રાજયના અધિક નિયામક ડૉ. રાજીવ દેવેશ્વર અને જનરલ મેનેજર SHA ડૉ. શૈલેષ આનંદ પણ હાજર રહ્યા હતા. 

આરોગ્ય સુવિધા ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત
ગુજરાત રાજ્યમાં વર્ષ 2012 થી જનહિતાર્થે કાર્યરત “મા” અને ”મા વાત્સલ્ય” યોજનાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો સમન્વય કરીને “પી.એમ.જે.એ.વાય.–મા” યોજના કાર્યન્વિત બનાવી છે. નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત પ્રોસીજર/ઓપરેશન માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ. 05 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્યની 1884 સરકારી અને 803 ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બિમારીઓ માટે કુલ 2711 જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના પ્રથમ બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે થયા છે એટલું જ નહીં જેને માતા બનવું અસંભવ હતું એવી બે યુવતીઓને “પી.એમ.જે.એ.વાય.–મા” યોજના થકી "મા" બનવાના આશીર્વાદ મળ્યા છે.

No description available.

આયુષ્માન કાર્ડ કાઢવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતના અંદાજિત 80 લાખ કુટુંબો એટલે કે, ત્રણ કરોડ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા એક નવી પહેલ “આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” પણ આરંભવામાં આવી છે. મહત્તમ લોકો આયુષ્માન કાર્ડથી લાભાન્વિત થાય તે પ્રકારનું વ્યવસ્થાપન હાથ ધરાયું છે. આ યોજનાનો મહત્તમ પરિવારોને લાભ મળે તે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. 

ગુજરાતે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
આ અગાઉ એક કાર્ડ ઉપર એક પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારના દરેક સભ્યને PMJAY-MA કાર્ડનો લાભ મળે તે પ્રકારનું સુદ્રઢ આયોજન ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજય મંત્રી નિમીષાબેન સુથારના નેતૃત્વ હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે. જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતે, સૌથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરી, "આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022" પોતાના નામે કર્યો છે.

ગુજરાત રાજ્ય સહિત દેશના અનેક જરૂરિયાત મંદ પરિવારો માટે“પી.એમ.જે.એ.વાય.–મા” યોજના આશીર્વાદરૂપ સાબિત થઇને કરોડો ગરીબ કુટુંબોના મુખે બહોળી પ્રસિદ્ધિ પામતી જાય છે ત્યારે અણીના સમયે અગવડ ન પડે તે માટે વહેલી તકે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કઢાવી/રિન્યુ કરાવી લેવા અપીલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news