પત્ની માટે મોંઘીદાટ સાડી ખરીદવાની ચિંતા ન કરતા, આ બેંક અપાવશે સાડી
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ :આણંદ (Anand) જિલ્લાના મિની પેરિસ ગણાતા ભાદરણ ગામના NRI દાતા દ્વારા ચરોતર જિલ્લામાં સર્વ પ્રથમ સાડી બેંક શરુ કરવામાં આવી છે. જેનાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓપણ શુભ પ્રસંગે મોંઘી સાડીઓ પહેરી શકશે. બેંક સાથે સામાન્ય નાગરિકોનો નાતો રહેલો હોય છે, બચતના પૈસા જમા કરાવવા કે ઉપાડવા લોકો બેંકમાં જતા હોય છે. પરંતુ ક્યારેય સાડી બેંક જોઈ છે ખરી. આણંદ જિલ્લાના મીની પેરિસ ગણાતા ભાદરણ ગામમાં સાડી બેંક (saree bank) શરૂ કરવામાં આવી છે.
આજનાં મોંઘવારીનાં સમયમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓ સારી અને મોંઘા ભાવની સાડીઓ ખરીદ કરવાનું પણ વિચારી શક્તિ નથી. ત્યારે આવી મોંઘી સાડીઓ પહેરી તો ક્યાંથી શકાય. પરંતુ ભાદરણનાં કંકુબા પુસ્તકાલય ખાતે NRI દાતાનાં સહયોગથી સાડી બેંક શરૂ કરવામાં આવી છે. ભાદરણ અને આસપાસના ગામોમાં રહેતી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓ શુભપ્રસંગમાં પહેરવા માટે આ સાડી બેંકમાંથી સાડી લઈ જઈ શકશે અને પ્રસંગ વીત્યા બાદ સાડી પરત જમા કરાવવાની રહેશે.
સામાન્ય રીતે મધ્યમ વર્ગીય પરિવારો લગ્ન અને શુભ પ્રસંગોમાં મોંઘી સાડીઓની ખરીદી પાછળ લખખૂટ ખર્ચ કરવામાં આવતો હોય છે. બજેટ નહીં હોવા છતાં સમાજમાં દેખાદેખીમાં દેવું કરીને પણ મોંઘી સાડીઓ ખરીદવામાં આવતી હોય છે. ભાદરણ ગામમાં શરૂ કરવામાં આવેલી સાડી બેંક આવી મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનશે. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ સાડી ખરીદી શક્તી નથી. તેઓ માટે પણ આ બેંક આશીર્વાદ સમાન બની રહેશે.
ભાદરણની સાડી બેંક દ્વારા ભાદરણ અને આજુબાજુ નાના ગામની તમામ મહિલાઓને સાડી વિનામૂલ્યે આપવામાં આવશે. અહીંયાથી સાડી આપ્યા બાદ તેનો ઉપયોગ કરીને તે સાડી સમયમાં ડ્રાયક્લીન કરીને પરત આપવાની રહેશે. આ સાડી બેંક દ્વારા સાડી આપ્યા બાદ તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી.
ભાદરણ ગામના NRI પરિવાર દ્વારા અમેરિકાની વિવિધ સિટીમાં રહેતા ગુજરાતી પરિવારો પાસેથી 200 થી વધુ સાડીઓ દાન રૂપે એકત્ર કરવામાં આવી છે. તેમજ 100 સાડી ભાદરણ ગામની મહિલાઓ પાસેથી એકત્ર કરી અંદાજે 300 સાડીઓ આ સાડી બેંકમાં મુકવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી લોકો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા સમયે પોતાના પરિવારોમાં કે ઘરમાં શુભ પ્રસંગોમાં ખરીદી કરવામાં લોકોને ભારે તકલીફ પડી રહી છે. ત્યારે આવા સમયે ભાદરણ ખાતે એન.આર.આઈ અને ભાદરણના ગ્રામજનો દ્વારા જે સાડી બેંક શરૂ કરવામાં આવી છે જે ગરીબ અને મધ્યમ પરિવારના મહિલાઓ માટે આશીર્વાદ સમાન બનશે તેવું સ્થાનિક અગ્રણી શૈલેષભાઈ પટેલ અને નેહલબેન પટેલે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે