ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો : શિક્ષક વિદ્યાર્થીનીઓને બોલાવી તેમના શરીર પર હાથ ફેરવતો
Sexual harassment by teacher : આણંદની એક સરકારી શાળાનો ગણિતનો શિક્ષક બહાના કાઢીને વિદ્યાર્થીનીઓને બોલાવતો અને તેમના શરીર પર હાથ ફેરવતો... ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ શાળામાં જવાનું બંધ કર્યું
Trending Photos
Anand News બુરહાન પઠાણ/આણંદ : ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો આણંદથી સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 11 વર્ષની વિદ્યાર્થીનીને વિવિધ બહાનાથી પોતાની પાસે બોલાવી નરાધમ શિક્ષક તેણીના શરીર પર હાથ ફેરવી શારિરીક છેડછાડ કરતો હતો. વિદ્યાર્થીનીએ જ્યારે આ વાત પરિવારજનોને કહી ત્યારે પરિવારજનોએ શાળામાં પહોંચી હોબાળો મચાવી દીધો અને નરાધમ શિક્ષક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ આપતાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના આણંદના આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામની પ્રાથમિક શાળાની છે. જ્યાં ગણિતના શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડછાડ કરતાં શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. કોસીન્દ્રા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા ગણિતના શિક્ષક કિરણએ છેલ્લા 25 દિવસથી બે વિદ્યાર્થીનીઓ પર પોતાની દાનત બગાડી હતી. આ બંને વિદ્યાર્થીનીઓને હોમવર્ક બતાવવા સહિતના બહાને તે પોતાની પાસે બોલાવતો હતો અને વિદ્યાર્થીનીઓના શરીર પર હાથ ફેરવી તેમની શારિરીક છેડછાડ કરતો હતો.
વિદ્યાર્થીનીઓ ડરના માર્યા આ વાત કોઇને કહેતી ન હતી અને શિક્ષકના આવા વર્તનથી કંટાળેલી એક વિદ્યાર્થીનીએ તો છેલ્લા 15 દિવસથી શાળામાં જવાનું જ બંધ કરી દીધું હતું. જ્યારે માતાએ બાળકીને શાળાએ કેમ નથી જતી તેમ પૂછતા તે ‘પેટમાં દુઃખે છે’ જેવા બહાના બતાવી શાળામાં જઈ રહી ન હતી. જેની ફાવટ શિક્ષકને આવી જતા તેણે બીજી વિદ્યાર્થીનીને વધુ છેડછાડ કરી હતી.
શાળામાં શિક્ષક કિરણ વાળંદે 11 વર્ષીય વિદ્યાર્થીનીને હોમવર્ક બતાવવાના બહાને પોતાની પાસે બોલાવી હતી અને તેણીનો હાથ પકડી તેના શરીરે હાથ ફેરવ્યો હતો અને વિદ્યાર્થીનીને પોતાની તરફ ખેંચતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને ત્યાં જ રડી પડી હતી. જેથી શિક્ષકે તેનો હાથ છોડી દીધો હતો. હાથ છુટતા જ વિદ્યાર્થીની સીધી ઘર તરફ ગઈ હતી અને ઘરે જઈ પોતાની માતાને સમગ્ર ઘટના અંગે રડતા રડતા જણાવ્યું હતું જેને લઈ માતા અને પરિવારજનો તુરંત જ વિદ્યાર્થીનીને લઈ શાળાએ પહોંચ્યા હતા તેમજ ગામમાં પણ વાત પ્રસરી જતા અન્ય વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા.
શાળામાં પહોંચેલા વાલીઓએ ભારે હોબાળો મચાવી દીધો હતો અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. આ ઘટનાની જાણ આંકલાવ પોલીસને થતા પોલીસ કાફલો દોડી ગયો હતો મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વાલીઓ અને ગ્રામજનો ખૂબ જ આક્રોશમાં હતા. જેને લઈ શાળાને છોડી મુકવામાં આવી હતી.બીજી તરફ વાલીઓ આંકલાવ પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને નરાધમ શિક્ષક વિરૂધ્ધ ફરીયાદ આપી હતી.
આંકલાવ પોલીસ શિક્ષક કિરણભાઈ બુધાભાઈ વાળંદ વિરુદ્ધ ઇપીકો કલમ 354,પોકસો તેમજ અન્ય કલમ હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકને ઝડપી પાડયો હતો અને આ મામલે સીપીઆઇને તપાસ સોંપવામા આવતા સીપીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.આ બાબતે પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પી.કે.દીયોરા ના જણાવ્યા મુજબ આરોપી શિક્ષક કિરણભાઈ બુધાભાઈ વાળંદ છેલ્લાં કેટલાંક દિવસોથી બંને વિદ્યાર્થીનીની સાથે શારીરિક અડપલાં કરતો હતો. જેને લઇને પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે