નવીનક્કોર વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને નુકસાન થયું

Vandebharat Train Accident : અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર આધુનિક ભારતની  ટ્રેનમાં બેસતા મુસાફરો માટે પણ બન્યાં જોખમી... અમદાવાદના વટવામાં વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં ચાર ભેંસો આવી જતાં સર્જાયો અકસ્માત... સદનસીબે મોટી દુર્ઘટના ટળી... 
 

નવીનક્કોર વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને નુકસાન થયું

સપના શર્મા/અમદાવાદ :પીએમ મોદીએ તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. ત્યારે આ જ ટ્રેનને રખડતા ઢોરોનો ત્રાસ નડ્યો છે. અમદાવાદથી વટવા વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટ્રેન વચ્ચે 4 ભેંસ આવી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. થોડા સમય પછી ટ્રેન ફરી કાર્યરત કરવામાં આવી હતી. ટ્રેનની ફરતે કોટ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ ટ્રેનને અકસ્માત નડ્યો છે. અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત છે. શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં રસ્તા પર ઢોર ફરી રહ્યા છે. રસ્તા પર જાહેરમાં ઘાસ નહીં વેચવાનો આદેશ થયા પછી પણ શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ ઘાસચારો વેચાઈ રહ્યો છે. AMCના દાવા માત્ર કાગળ પર જ છે, રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવીને બેઠાં છે. અગાઉ CNCD વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ તેમને ફરીથી ફરજ ઉપર લેવામાં આવ્યા હતા. જો કે વિવાદ વકરતાં આજે ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને ફરજ મોકૂફી બાદની કામગીરી કમિશ્નરને સોંપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. રખઢતાં ઢોરનો આતંક દૂર કરવા હાઈકોર્ટ પણ ફટકાર લગાવી હતી. પરંતુ અમદાવાદમાં તંત્ર હજુ પણ ઊંઘી રહ્યું છે. મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારમાં હજુ પણ રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે અમદાવાદના લોકોને ક્યારે મળશે ઢોરના આતંકથી મુક્તિ. હજુ કેટલા લોકોના ભોગ લેશે રખઢતાં ઢોર, ક્યારે થશે નક્કર કાર્યવાહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news