મોબાઈલની માયાજાળથી સાવધાન! માત્ર 13 વર્ષના બાળકે મોબાઈલ માટે ઘર છોડ્યું, કાળી મજૂરી પણ કરી...!

વડોદરામાં મોબાઈલની લતમાં 13 વર્ષના બાળકે છોડ્યું ઘર, પોતાના પૈસે મોબાઈલ લેવા સગીરે શરૂ કરી મજૂરી. સતત ગેમ રમવાના કારણે શાળાએ સગીરને કાઢી મુક્યો હોવાની માહિતી.

મોબાઈલની માયાજાળથી સાવધાન! માત્ર 13 વર્ષના બાળકે મોબાઈલ માટે ઘર છોડ્યું, કાળી મજૂરી પણ કરી...!

હાર્દીક દીક્ષિત/વડોદરા: સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના વ્યસ્તતા ભર્યા જીવનમાં વાલીઓ પોતાના કામના ચક્કરમાં બાળકોને મોબાઈલના ભરોસે મૂકી દેતા હોય છે ત્યારે વાલીઓની આ ભૂલ ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારને એક મોબાઈલ રોવડાવી રહ્યો છે. એક નાનકડા મોબાઈલએ તેમના બાળકને ભણતરથી તો દૂર ધકેલી જ દિધો છે તો સાથે જ આ બાળકને પોતાના માતાપિતા કરતા મોબાઈલ વધુ પ્રિય લાગવા માંડ્યો છે.

આ મધ્યમ વર્ગીય પરિવારમાં ચાર સભ્યો છે, જેમાં પતિ-પત્ની તેમજ બે દીકરા છે. એક દીકરાની ઉંમર 13 વર્ષ તો બીજો દીકરો 16 વર્ષનો છે. માતાપિતા બંને છૂટક કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે માતાપિતાની વ્યસ્તતા વચ્ચે 13 વર્ષનો નાનો પુત્ર મોબાઈલના રવાડે ચઢી ગયો. હદ તો ત્યારે થઈ કે આ બાળકે મોબાઈલમાં ગેમ રમવા માટે પોતાના ઘર પરિવાર નો ત્યાગ કરી દિધો. સમગ્ર મામલે ઝી 24 કલાક સાથે વાત કરતા બાળકના પિતા એ જણાવ્યું હતું કે મારો નાનો દીકરો ભણવા માં ખૂબ જ હોશિયાર હતો. પરંતુ એક મોબાઈલની લત એ તેને અંધકાર તરફ ધકેલી દિધો છે. થોડા સમય અગાઉ મારા દીકરાએ ગેમ રમવાની લાલચમાં શાળાના કોમ્પ્યુટર રૂમમાં રાતવાસો કર્યો હતો. મોડી રાત્રે તે શાળાએ પહોંચી ગયો હતો'ને જેમ તેમ કરી દરવાજો ખોલી ગેમ રમવા લાગ્યો હતો. બાળકની ગેમ રમવાની કુટેવના કારણે શાળામાંથી પણ તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.

મારો દીકરો આજથી એક સપ્તાહ પહેલા મોબાઈલ માટે પોતાનું ઘર છોડી ચાલ્યો ગયો હતો. જેથી અમે બાળકના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. 13 વર્ષના પુત્રને શોધવા તેનો મોટો ભાઈ ઘરેથી નીકળ્યો હતો, ત્યારે મોટો પુત્ર પણ લાપતા થઈ જતા અમારી ચિંતામાં વધારો થયો હતો. ગોત્રી પોલીસને બીજા પુત્રના પણ ગુમ થયાની ફરિયાદ આપતા પોલીસે CCTVના આધારે મોટા પુત્રને નવાયાર્ડ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે ભાઈને શોધતા શોધતા હું અજાણ્યા વિસ્તારમાં પહોંચી ગયો હતો. બાદમાં થાકના કારણે ઊંઘ આવી જતા હું ફૂટપાથ પર જ સૂઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે પરિવાર નો 13 વર્ષીય નાનો દીકરો છેલ્લા એક સપ્તાહ થી લાપતા હતો ત્યારે પરિવાર સહિત પોલીસ પણ તેને શોધવા કામે લાગી હતી.આખરે આ દીકરો એક સપ્તાહ બાદ મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. 

એક સપ્તાહથી ગુમ બાળકે જણાવ્યું હતું કે તેણે મોબાઈલ વિના એક મિનિટ પણ ચાલે તેમ નથી. મોબાઈલમાં ગેમ રમવામાં ખૂબ મજા પડે છે. ઘરે માતા પિતાનો મોબાઈલ ઉપયોગમાં લઉ તો તેઓ ઠપકો આપે છે, જેથી ખુદનો મોબાઈલ ખરીદવા ઘર પરિવાર છોડી પિતાના મિત્રો પાસે કામ શોધ્યું અને મજૂરી કરી પગારના પૈસે પોતાનો મોબાઈલ ખરીદવાનું નક્કી કર્યું હતું. બાળકનું આ નિવેદન સાંભળતા ત્યાં હાજર પોલીસ કર્મીઓ પણ એક ક્ષણે ચોંકી ઉઠ્યા હતા. મહત્વનું છે કે માતા-પિતા માટે પોતાના બાળકથી વિશેષ કાઈ ન હોય શકે ત્યારે વડોદરામાં બનેલી આ ઘટના તમને એક વખત વિચારવા જરૂર મજબૂર કરશે.

અહી 13 વર્ષના બાળકના પિતા ભીની આખે આપડા આ શિક્ષિત સમાજને ઘણું બધું શિખવી અને સમજાવી જાય છે. તેઓ જણાવે છે કે તેમનો વ્હલસોયો નાનો દીકરો મોબાઈલના કારણે પરિવારને તેમજ ભણતરને નફરત કરવા લાગ્યો છે. આખો દિવસ મોબાઈલમાં તે ફ્રી ફાયર ગેમ રમ્યા કરે છે. મોબાઈલ જ્યારે તેના હાથમાં હોય ચાર્જમાં લગાડીને જ રાખે છે. જ્યાં જાય ત્યાં મોબાઈલ સાથે ચાર્જર લેવાનું ક્યારે ભૂલતો નથી.

એક વખત જ્યારે માતાપિતાએ મોબાઈલના વધુ પડતા ઉપયોગ અંગે બાળકને ટોકતા બાળક દ્વારા પોતાના માતા-પિતા સામે જ મારામારી અત્યાચાર ગુજારતા હોવાની પોલીસ માં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આજે પણ બાળક મોબાઈલ માટે પોતાના ઘર પરિવારનો ત્યાગ કરવા તૈયાર છે અને જ્યારે મોબાઈલ અંગે કાઈક કહીએ કે સમજાવીએ તો અમારો 13 વર્ષ નાનો દીકરો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news