WPI inflation: પડતા પર પાટું! જથ્થાબંધ મોંઘવારીએ એપ્રિલમાં 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો

WPI Inflation April 2022 : પૈસા ઓછા અને ખર્ચા વધારે...આ છે સામાન્ય માણસની પરિસ્થિતિ. ખર્ચાઓ એવા કે ઓછા થવાનું નામ નથી લેતા અને એકબાજુ સતત મોંઘવારીની થપાટ વધતી જાય છે. છૂટક મોંઘવારી 8 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીએ પણ નવો રેકોર્ડ રચ્યો.

WPI inflation: પડતા પર પાટું! જથ્થાબંધ મોંઘવારીએ એપ્રિલમાં 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો

WPI Inflation April 2022 : પૈસા ઓછા અને ખર્ચા વધારે...આ છે સામાન્ય માણસની પરિસ્થિતિ. ખર્ચાઓ એવા કે ઓછા થવાનું નામ નથી લેતા અને એકબાજુ સતત મોંઘવારીની થપાટ વધતી જાય છે. છૂટક મોંઘવારી 8 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીએ પણ નવો રેકોર્ડ રચ્યો. સરકારી આંકડા મુજબ એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં તે 10.74 ટકા હતી. જ્યારે એપ્રિલ 2022માં વધીને 15.08 ટકા થઈ છે. માર્ચમાં 14.55 ટકા હતી. 

ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ આજે એપ્રિલ મહિના માટે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા. તેમના જણાવ્યાં મુજબ તેલ અને ઈંધણના આકાશે આંબતા ભાવના કારણે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી વધી છે. અગાઉ એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી 15.5 ટકાની આજુબાજુ રહી શકે છે. તાજા આંકડા મુજબ એપ્રિલ સતત 13મો મહિનો છે કે જથ્થાબંધ મોંઘવારી દર 10 ટકા ઉપર છે. 

એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીના આટલા વધુ દર માટે મિનરલ ઓઈલ્સ, બેઝિક મેટલ્સ, ક્રૂડ અને પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, ખાણી પીણીનો સામાન, ફૂડ પ્રોડક્ટ, નોન ફૂડ આર્ટિકલ્સ, તથા કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટના ભાવમાં થઈ રહેલો વધારો જવાબદાર છે. આ બધી ચીજોના ભાવમાં ગત વર્ષ એપ્રિલની સરખામણીએ ઘણો વધારો થયો છે. 

એપ્રિલના જે આંકડા આવ્યા છે તે જોતા મોંઘવારી 17 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. આંકડા મુજબ એપ્રિલમાં ફૂડ આર્ટિકલ્સનો મોંઘવારી દર 8.35 ટકા રહ્યો જે માર્ચમાં 8.06 ટકા હતો. એ જ રીતે ઈંધણ તથા વીજળી બાસ્કેટમાં જથ્થાબંધ મોંઘવારી દર માર્ચના 34.52 ટકાની સરખામણીએ વધીને 38.66 ટકા થયો. મેન્યૂફેક્ચર્ડ ચીજો મામલે મોંઘવારી દર થોડો વધ્યો છે તે માર્ચમાં 10.71 ટકા રહ્યો હતો પણ એપ્રિલમાં 10.85 ટકા પર પહોંચી ગયો. 

અગાઉ સરકારે ગત સપ્તાહે છૂટક મોંઘવારીના આંકડા જાહેર  કર્યા હતા. સરકારી આંકડા મુજબ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારીનો દર 7.8 ટકા રહ્યો હતો જે મે 2014 બાદ સૌથી વધુ હતો. વધતી મોંઘવારીના પગલે રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક કરીને રેપો રેટ વધારવા પડ્યા હતા. રેપો રેટને 0.40 ટકા વધારવાનું સ્વીકાર કર્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news