RBI કેમ વિદેશોમાં મૂકી રાખે છે પોતાનું સોનું? સોનાની માલિકીમાં કયો દેશ ક્યાં છે?

How much gold India holds: રિઝર્વ બેન્ક પોતાનું મોટા ભાગનું સોનું વિદેશમાં રાખે છે. 2022માં આરબીઆઈ દુનિયામાં સૌથી વધુ સોનું ખરીદનારી કેન્દ્રીય બેન્ક બની હતી. 

RBI કેમ વિદેશોમાં મૂકી રાખે છે પોતાનું સોનું? સોનાની માલિકીમાં કયો દેશ ક્યાં છે?

RBI maintain gold reserves: સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા 10 દેશોની યાદીમાં ભારત 9મા ક્રમે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કે છેલ્લાં બે વર્ષમાં 100 ટન જેટલું સોનું ખરીદ્યું છે. આર્થિક કટોકટી સમયે સોનું કામ આવતું હોવાથી સામાન્ય લોકો ઉપરાંત રિઝર્વ બેન્ક પણ સોના પર ભરોસો વધુ કરે છે. પણ શું તમે જાણો છો કે ભારતીય રિઝર્વ બેન્કે પોતાનું તમામ સોનું ભારતમાં નથી રાખ્યું. સોનાનો એક મોટો હિસ્સો વિદેશોમાં રાખવામાં આવે છે. 

રિઝર્વ બેન્કે 2022માં જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત પાસે 754 ટન સોનું છે. જેમાંથી મોટાભાગનાં સોનાની ખરીદી છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવી છે. આરબીઆઈએ એપ્રિલથી સપ્ટેમ્બર 2022 વચ્ચે જ 132 ટન સોનું ખરીદ્યું હતું. જેને જોતાં 2022માં આરબીઆઈ દુનિયામાં સૌથી વધુ સોનું ખરીદનારી કેન્દ્રીય બેન્ક બની હતી.  

RBIનું કેટલું સોનું વિદેશમાં?
નવાઈની વાત એ છે કે રિઝર્વ બેન્ક પોતાનું મોટા ભાગનું સોનું વિદેશમાં રાખે છે. આરબીઆઈનું માનીએ તો દેશનાં કુલ સોનાના ભંડારમાંથી 296.48 ટન સોનું જ દેશમાં સુરક્ષિત છે, બાકીનું 447.30 ટન સોનું વિદેશની બેન્કોમાં મૂકવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગનું સોનું બેન્ક ઓફ ઇંગ્લન્ડમાં મૂકવામાં આવ્યું છે, જ્યારે કેટલુંક સોનું સ્વિટ્ઝરલેન્ડ સ્થિત બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ પાસે સુરક્ષિત છે.

RBI કેમ વિદેશોમાં રાખે છે સોનું?
સવાલ એ ઉભો થાય છે કે રિઝર્વ બેન્ક કેમ પોતાનું સોનું વિદેશોમાં રાખે છે. તો તેનું એક મોટું કારણ એ છે કે મોટી માત્રામાં સોનું ખરીદીને તેને દેશમાં લાવવું સરળ નથી હોતું. પરિવહન અને સુરક્ષા પર મોટો ખર્ચ થાય છે. આ ઉપરાંત નાણાકીય કટોકટીમાં જો સોનું ગિરો મૂકવાની જરૂર પડે તો ફરી તેને વિદેશમાં મોકલવામાં મોટો ખર્ચ અને સુરક્ષાની વ્યવસ્થા કરવી પડે છે. 1990-91માં બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી વખતે ભારતે પોતાનું 67 ટન સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝરલેન્ડ પાસે ગિરવે મૂક્યું હતું.

કયા દેશ પાસે કેટલું સોનું?
અમેરિકા પાસે દુનિયામાં સોનાનો સૌથી વધુ જથ્થો છે. અમેરિકા પાસે કુલ 8133 ટન સોનું હોવાનું જણાવાય છે. જે દુનિયાભરનાં દેશો પાસે રહેલાં સોનાનો 75 ટકા જથ્થો છે. જ્યારે 3359 ટન સોનાનાં જથ્થા સાથે જર્મની બીજા ક્રમે, 2451.8 ટન સોના સાથે ઈટાલી ત્રીજા ક્રમે, 2436 ટન સાથે ફ્રાન્સ ચોથા ક્રમે, 2298 ટન સોના સાથે રશિયા પાંચમા ક્રમે 1948 ટન સાથે ચીન છઠ્ઠા ક્રમે, 1040 ટન સોના સાથે સ્વિટ્ઝરલેન્ડ સાતમા ક્રમે, 765 ટન સોના સાથે જાપાન આઠમા ક્રમે, ભારત નવમા ક્રમે અને 612 ટન સોના સાથે નેધરલેન્ડ 10મા ક્રમે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news