પહેલા ખોળાના દીકરાઓને ગુજરાત સરકારે પધરાવી દીધી અધધધ કરોડોની જંગલની જમીન

Gujarat Government : ગુજરાત સરકારે જંગલ સાચવવા પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ-ઉદ્યોગોને કરોડોની જમીન આપીને વકરો કરી લીધો... સરકારે વિધાનસભામાં માહિતી આપી કે, રાજ્ય સરકારે ૧૮ લાખ ચોરસ મીટર કરતા વધુ જમીન ઉદ્યોગ ગૃહોને આપી 

પહેલા ખોળાના દીકરાઓને ગુજરાત સરકારે પધરાવી દીધી અધધધ કરોડોની જંગલની જમીન

Gujarat Vidhansabha : ઉદ્યોગોના વિકાસમાં ગુજરાત સરકાર ગમે તે હદે જઈ શકે છે. ઉદ્યોગપતિઓ માટે ગુજરાત સરકારે હંમેશા પહેળા ખોળા જેવો વહેવાર કર્યો છે. ઉદ્યોગો માટે ગુજરાતમાં લખલૂટ લ્હાણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, તેણે અધધધ કરોડોની જમીન ઉદ્યોગોને પધરાવી દીધી છે. સરકારે વિધાનસભામાં માહિતી આપી કે, રાજ્ય સરકારે ૧૮ લાખ ચોરસ મીટર કરતા વધુ જમીન ઉદ્યોગ ગૃહોને આપી છે. એટલે કે 180 હેક્ટર જમીનની ઉદ્યોગગૃહોને ખેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારના સંશોધિત એલોકેશન ઓફ બીઝનેસ રૂલ્સ મુજબ આ જમીન ફાળવાઈ છે. છેલ્લા બે વર્ષમાં ફળવાયેલી જમીન સામે સરકારે ૭૮.૭૧ કરોડ કરતા વધુની રકમ વસુલ કરી છે. 

રાજ્ય સરકારે ઉદ્યોગ ગૃહોને જંગલી જમીન ઉદ્યોગપતિઓને પધરાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે આ જવાબ રજૂ કર્યો છે. ગૌચરની હજારો એક્ટરની જમીનની ઉદ્યોગોને લ્હાણી કરાઈ છે. 

કોંગ્રેસના સવાલ પર વન પર્યાવરણ મંત્રીએ જવાબ આપ્યો કે, વર્ષ 2021 માં જંગલની જમીન લેવા પર વન પર્યાવરણ વિભાગને 21 દરખાસ્ત મળી હતી. જેમાં ઉદ્યોગ ગૃહોને 172.72 હેક્ટરની જમીનની ફાળવણી કરાઈ છે. વર્ષ 2022 માં 8 દરખાસ્ત મળી હતી. જેમાંથી 7.3 હેક્ટર જમીન આપવામાં આવી છે. 

આ જમીન ભારત સરકારના 31 મી જાન્યુઆરી, 2017 ના સંશોધિત એલોકેશન ઓફ બિઝનેસ રુલ્સ 1961  મુજબ ફાળવવામાં આવી છે. 

આંકડા મુજબ જોઈએ તો, સુરત જિલ્લામાં હજીરા પાસે આર્સેલર મિત્તલની કંપનીએ વન વિભાગની 93.67 હેક્ટર જમીન પર દબાણ કર્યું હતું તેવો વન વિભાગે ખુદ સ્વીકાર કર્યો છે. દિગ્ગજ સ્ટીલ કંપનીએ 2006-07 થી આ દબાણ કર્યું છે. જોકે, અત્યાર સુધી કંપનીએ માત્ર 7.18 હેક્ટર જમીન પરથી દબાણ દૂર કર્યુ છે. 

આ આંકડા સૂચવે છે કે, સરકાર ઉદ્યોગો માટે કેટલી નરમાશથી વર્તે છે. ગુજરાત સરકાર જે રીતે ઉદ્યોગો પર લૂંટાવે છે તે જોતા ગુજરાતની તિજોરી જલ્દી ખાલી થઈ જાય તો નવાઈ નહિ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news