ભાજપ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાવુક થયા આનંદીબહેન પટેલ

આ અભિવાદન સમારોહમાં પૂર્વ સીએમ આનંદીબહેને પોતાની ભાજપ સાથેની યાત્રા વાગોળી હતી.

 ભાજપ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાવુક થયા આનંદીબહેન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે રાજ્યની ધુરા સંભાળનાર આનંદીબહેન પટેલનો અભિવાદન સમારોહ કમલમ ખાતે યોજવામાં આવ્યો છે. ગઈકાલે જ કેન્દ્ર સરકારે પૂર્વ સીએમ આનંદીબહેનની નિમણુંક મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેનને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાતા ગુજરાત ભાજપ દ્વારા તેમના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા સહિત ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ સહિત ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉતસ્થિત રહ્યાં હતાં. 

આ અભિવાદન સમારોહમાં પૂર્વ સીએમ આનંદીબહેને પોતાની ભાજપ સાથેની યાત્રા વાગોળી હતી. આનંદીબહેને પોતાના મંત્રી તરીકે અને  મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે કરેલા કામો અને ભાજપની સરકારે કરેલા વિકાસ કાર્યોની વાતો કરી હતી. પોતાના પૂર્વ અનુભવો અને કાર્યકાળને વાગોળતા આનંદીબહેન ભાવુક થયા હતા. આનંદીબહેને કાર્યકરોને પાર્ટી માટે કામ કરીને પાર્ટીને મજબુત બનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પતે પછી બધા લોકો આપણી માટે સરખા હોય છે. આપણે તમામ વિસ્તારના લોકોનો વિકાસ કરવો જોઈએ અને પ્રજા માટે કામ કરવું જોઈએ.  તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ફરવા આવો રાજભવન બહુ મોટું છે. હું પણ ત્યાં છું. તમારૂ સ્વાગત છે. 

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આનંદીબહેન ગુજરાતના વરિષ્ઠ નેતા હતા અને તે મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના કાર્યકાળમાં અનેક વિકાસના કાર્યો થયા છે. તેઓ બહોળો અનુભવ ધરાવે છે તેથી મધ્યપ્રદેશને તેમનો લાભ મળશે. આ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અમારા માટે આ ખુશીની વાત છે. ગુજરાતની વ્યક્તિ આજે રાજ્યપાલ બનીને મધ્યપ્રદેશની જવાબદારી સંભાળવા જઈ રહ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે એક મહિલા મધ્યપ્રદેશના રાજ્યપાલ બનીને જઈ રહ્યાં છે તે ખુશીની વાત છે.  બીજીતરફ પાર્ટીના કાર્યકરો અને ભાજપના ધારાસભ્યોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ કાર્યકરોએ આનંદીબહેનને રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ સફળ રહે તે માટે શુભકામના આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news